• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

ગાંધીનગરમાં કોંગ્રેસનો જનાક્રોશ ઃ મનરેગા બચાવવા સરકાર સામે પરિવર્તનનો હુંકાર

-2027ની વિધાનસભા ચૂંટણી માટે રાહુલ ગાંધી ગુજરાતમાં અગાઉથી પ્રચાર કરશે તેવો દાવો

અમદાવાદ, તા.16 ઃ  કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાને સ્થાને નવી ‘િવકસિત ભારત જી રામ જી’ યોજના લાવવાના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ મેદાને ઉતરી છે. વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે જ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ‘મનરેગા બચાવો સંગ્રામ’ ના નેજા હેઠળ વિશાળ ‘જન આક્રોશ સભા’ યોજવામાં આવી હતી. આ સભામાં રાજ્યભરમાંથી ઉમટી પડેલા લોકો, ખેડૂતો, આદિવાસીઓ અને મહિલા કર્મચારીઓની હાજરીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન યોજ્યું જેમાં 2027ની વિધાનસભા ચૂંટણી માટે રાહુલ ગાંધી ગુજરાતમાં અગાઉથી પ્રચાર કરશે 2027ની વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અગાઉથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સભાને સંબોધતા જણાવ્યું કે, અહીં ઉપસ્થિત જનમેદની મનરેગા કૌભાંડ અને મહિલા કર્મચારીઓના શોષણના જીવતા જાગતા પુરાવાઓ સાથે આવી છે. તેમણે આશ્વાસન આપતા કહ્યું કે, ‘રાહુલ ગાંધીના યોદ્ધાઓ તમારા માટે રસ્તા પર અને વિધાનસભામાં લડશે, જરૂર પડશે તો લાઠી અને ગોળી પણ ખાઈશું.’

 ચાવડાએ જન આક્રોશ યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, યાત્રા દરમિયાન દારૂ, ડ્રગ્સ અને ભ્રષ્ટાચારના પુરાવા મળ્યા છે તેમણે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવતા કહ્યું કે, લોકો ખુલ્લેઆમ કહે છે કે પોલીસ હપ્તા લે છે તેમણે આદિવાસીઓના અધિકારો અને  ખેડૂતોની સમસ્યાઓને વાચા આપવાનો કોંગ્રેસનો સંકલ્પ દોહરાવ્યો હતો.

વિપક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ ભાજપના ’ડબલ એન્જિન’ ના દાવા પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘એક એન્જિન ભાવ વધારે છે અને બીજું ભ્રષ્ટાચાર કરે છે.’ તેમણે સવાલ ઉઠાવ્યો કે જો ખરેખર વિકાસ થયો હોય તો રાજ્યના 3.65 કરોડ લોકોને મફત અનાજ કેમ આપવું પડે છે? ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે, જો ખરેખર 30 વર્ષ સુશાસન આપ્યું હોય, તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવી જુઓ.  કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ 2027ની ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કરી એક સૂરે ગુજરાત સરકારનો વિરોધ કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક