ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા કરી માગ
મોરબી,
તા.16: મોરબીના રંગપર ગામની સીમમાં આવેલા લુકાસો સિરામિક કારખાનામાં ઊંચાઈએથી પટકાતા
શ્રમિક વિક્રમભાઈ પાટડિયાના મૃત્યુ મામલે પોલીસે પાંચ શખસ વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો
ગુનો નોંધ્યો છે. આ ઘટનામાં ન્યાયની માગ સાથે કોળી સમાજના ધારાસભ્ય વિમલ ચુડાસમા ગતરાત્રિએ
પોલીસ મથકે પહોંચ્યા હતા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા પોલીસને કડક સૂચના આપી
હતી.
લુકાસો
સિરામિકમાં રાત્રિના અંધારામાં અને પૂરતા સુરક્ષા સાધનો વગર જોખમી રીતે કેંચી કાટિંગનું
કામ કરાવતી વખતે 25 ફૂટની ઊંચાઈએથી પડતા વિક્રમભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે
14 ફેબ્રુઆરીએ કારખાનાના માલિક અંબારામભાઈ અને જીતેન્દ્રભાઈ સહિત જયદીપ, હિરેન અને
ગોપાલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મૃતકના પરિવારની મુલાકાત લઈ
સાંત્વના પાઠવી હતી અને ત્યારબાદ પીઆઈને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જો આરોપીઓને
વહેલી તકે પકડવામાં નહીં આવે તો તેઓ આ પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવશે. ધારાસભ્યએ પેનલ પીએમ
અને મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ કરી જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી
છે. આરોપીઓએ શરૂઆતમાં આ ઘટનાને માત્ર અકસ્માત ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.