ખાલિસ્તાનના નામે ધમકીભર્યો
ઈ-મેઇલ
મોકલાતા શાળા મેનેજમેન્ટ, વાલીઓના જીવ પડીકે બંધાયા
અમદાવાદ,
તા.16: અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઇલ દ્વારા ધમકી મળતા સુરક્ષા એજન્સીમાં દોડધામ મચી
ગઈ હતી. ખાલિસ્તાનના નામે મોકલવામાં આવેલા આ ધમકીભર્યા ઈ-મેઈલમાં એવો ચોંકાવનારો દાવો
કરવામાં આવ્યો હતો કે ગુજરાત ટૂંક સમયમાં ખાલિસ્તાનમાં ફેરવાશે અને બપોરે 1 વાગ્યે
ને 11 મિનિટે નિર્ધારિત શાળાઓમાં કાર તથા બસમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે. આ સમાચાર
વાયુવેગે પ્રસરતા જ વાલીઓના જીવ પડીકે બંધાયા હતા અને ચિંતા પ્રસરી ગઈ હતી.
અમદાવાદની
15 જેટલી જાણીતી શાળાઓના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર જ્યારે આ ધમકીભર્યો પત્ર મળ્યો ત્યારે
શાળા મેનેજમેન્ટ પણ સ્તબ્ધ થઈ ગયું હતું. મકરબા
વિસ્તારની ડી.એ.વી. ઈન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુર સ્થિત એશિયા સ્કૂલ, સેટેલાઇટની એ-વન
સ્કૂલ, બાપુનગરની સિલ્વર બેલ સ્કૂલ, બોપલની તુલીપ અન મણીનગરની દિવાન બલ્લુભાઈ સ્કૂલ
સહિતની 15 સંસ્થાઓમાં ઈ-મેઇલ મળતા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાઈ હતી. કેટલીક
શાળાઓમાં વાર્ષિક પરીક્ષા ચાલી રહી હોય ધમભર્યો ઈ-મેઇલ મળતા પોલીસ કાફલો ઉતારી દેવામાં
આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે ગણતરીની મિનિટોમાં જ તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત
રીતે બહાર કાઢીને શાળા સંકુલો ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. સ્થળ પર બોમ્બ ડિસ્પોઝલ
સ્ક્વોડ અને ડોગ સ્કોડની મદદથી દરેક રૂમ, લોબી, ગ્રાઉન્ડ અને પાર્કિંગ એરિયામાં ઝીણવટભરી
તપાસ હાથ ધરાઈ હતી. જોકે, સદનસીબે હજુ સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, તેમ
છતાં પોલીસ અને સાયબર ક્રાઈમની ટીમ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.