ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સ્કૂલ પરિસરમાં ચાકિંગ હાથ ધરાયું : બાળકોને લેવા માટે શાળાઓમાં વાલીઓનો ધસારો
વડોદરા,
તા.16 : વડોદરા શહેરના વારંવાર હોટલ, સ્કૂલ, એરપોર્ટ તેમજ સરકારી કચેરીઓમાં બોમ્બ મૂક્યો
હોવાનું ધમકી મળતી રહેતી હોય છે ત્યારે ફરીવાર વડોદરા શહેરમાં આજે બોમ્બની ગર્ભિત ધમકી
મળતા સમગ્ર શહેરમાં હડકંપ મચી જવા પામ્યો છે. શહેરની ઊર્મિ સ્કૂલ, નાલંદા સ્કૂલ અને
ડી.આર. અમીન સ્કૂલ સહિત 19 જેટલી સ્કૂલોમાં એકસાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો
ઇ-મેઇલ મળતાં જ પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અજાણ્યા વ્યક્તિ દ્વારા વિવિધ સ્કૂલની ઇ-મેઇલ આઇ
ડી પર ધમકી આપવામાં આવી હતી. જેને લઈ સ્કૂલ સંચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. તમામ
સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સુરક્ષાના ભાગરૂપે રજા આપી દેવામાં આવી હતી. બીજી બીજી તરફ
વાલીઓને જાણ થતાં બાળકોને લેવા માટે દોડી આવ્યા હતા. અચાનક ઉભી થયેલી સ્થિતિને પગલે
વાલીઓમાં ભારે દોડધામ અને ચિંતા ફેલાઈ ગઈ હતી.
બોમ્બ
સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસની વિવિધ ટીમો તાત્કાલિક સ્કૂલ પર પહોંચી ગઈ હતી. સ્કૂલ
પરિસર અને આસપાસના વિસ્તારોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ સ્થાનિક
પોલીસ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્કૂલ બસમાં પણ બોમ્બ
પ્લાન્ટ કરાયો હોય ત્યારે તેમાં પણ શોધખોળ કરાઈ છે.
વડોદરા
શહેરની અલગ અલગ સ્કૂલોમાં પણ અગાઉ બોમ્બ બ્લાસ્ટ કરવાના હોવાના મેઇલ મળ્યા હતા. જેને
લઈને પોલીસ દ્વારા એક્શનમાં આવી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી પરંતુ ધમકી ભર્યા
મેલ કરનાર આરોપીઓને અત્યાર સુધીમાં ઝડપી પાડવામાં આવ્યા નથી. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા
ઘણી જહેમત ઉઠાવવામાં આવી રહી છે પરંતુ આ બોમ્બની ધમકી આપનાર એક પણ આતંકી તત્ત્વ હાથમાં
આવતા નથી.