નવી દિલ્હી, તા.15 : બલોચ લિબરેશન આર્મી (બીએલએ)એ 17 પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવ્યાનો દાવો કર્યો હતો. બીએલએએ જણાવ્યું હતું કે તેમણે તેમના કબજામાંથી 10 સૈનિકને છોડી મૂક્યા હતા. સાથે જ પાકિસ્તાનની સરકારને ચેતવણી આપી હતી કે બાકીના સાતને ત્યારે જ છોડવામાં આવશે જ્યારે કેદમાં રહેલા બલોચ લોકોને મુક્ત કરવામાં આવશે. આ માટે પાકિસ્તાનને એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે.
બીએલએની મીડિયા પાંખ, ‘હક્કાલ’ના
પ્રવક્તા જીયંડ બલોચે આ પગલાંને ‘ઓપરેશન હીરોફ’નો બીજો ભાગ બતાવ્યો હતો. જે 10 સૈનિકને
છોડવામાં આવ્યા તેઓ બલોચ મૂળના છે જે સ્થાનિક પોલીસ સંગઠનથી જોડાયેલા છે. તેમને ચેતવણી
આપીને છોડવામાં આવ્યા હતા. બીએલએ તરફથી જણાવવામાં આવ્યું હતું કે જેમને કબજામાં રાખવામાં
આવ્યા છે તે સાત પાકિસ્તાની સેનાથી જોડાયેલા છે. બલોચ નેશનલ કોર્ટમાં તેની સુનાવણી
કરવામાં આવી હતી. અહીં અટકાયતમાં લેવામાં આવેલા સૈનિકો પર આરોપ લગાવવામાં આવ્યો હતો
કે તેઓ સામાન્ય લોકો સામે કાર્યવાહી કરી રહ્યા છે. તેમના પર બલોચ લોકોના નરસંહારનો
આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. સુનાવણી દરમ્યાન, અટકાયત હેઠળના પાકિસ્તાની સૈનિકોને
પોતાનો પક્ષ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. બીએલએએ જણાવ્યું કે તેણે ઈસ્લામાબાદને
સાત દિવસનો સમય આપ્યો છે. આ દરમ્યાન કેદીઓની અદલા-બદલી થશે. આ નિવેદનમાં પાકિસ્તાન
પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભૂતકાળમાં તેણે અદલા-બદલીના પ્રસ્તાવ પર કામ કર્યું
ન હતું.