• રવિવાર, 12 જુલાઈ, 2026

1 કરોડના ચરસ કેસમાં ડ્રગ માફિયાને 20 વર્ષની સખત કેદની સજા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.11:બનાસકાંઠા જિલ્લાની પાલનપુર સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે વર્ષ 2010ના એક ચકચારી ચરસ સ્મગાલિંગ કેસમાં મોટો ચુકાદો આપતા મુખ્ય આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ અદાલતે ડ્રગ્સના દૂષણ સામે કડક સંદેશ આપતા આરોપીને 2 લાખનો ભારે દંડ પણ ફટકાર્યો છે અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની જેલ સજા ભોગવવી પડશે. વર્ષ 2010માં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા એક ગુપ્ત ઓપરેશન દરમિયાન વાહનની તલાશી લેતા 1 કરોડથી વધુની બજાર કિંમતનો 16.575 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો, જે અંગે પાલનપુર કોર્ટમાં કેસ ચાલ્યો હતો.

આ ચકચારી કેસમાં મહારાષ્ટ્રના મુખ્ય આરોપી સમિર અહેમદ શેખ નાગોરીને અદાલતે દોષિત જાહેર કર્યો છે. જ્યારે કેસમાં સંડોવાયેલો અન્ય સહ-આરોપી મુંબઈનો ફહિમ અઝીમ બેગ વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયો હોવાથી તેની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. આ ઉપરાંત, કેસના અન્ય સહ-આરોપીઓ ઈમરાન મલેક, આરિફ અહેમદ લોન અને અબ્દુલ કય્યુમ શેખ વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળતાં કોર્ટે શંકાનો લાભ આપી તેમને મુક્ત કરવા આદેશ કર્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક