સુરત, તા.11 : ખાડીપૂરના કારણે ભારે નુકસાન ભોગવનાર સુરત શહેરને રાહત આપવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ પેકેજ જાહેર કરવામાં આવશે. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નુકસાનીનો સર્વે પૂર્ણ થયા બાદ પૂરગ્રસ્તો માટે રાહત પેકેજ અંગે નિર્ણય લેવામાં આવશે.
ખાડીપૂર
બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે તેમજ નુકસાન પામેલા
પરિવારોને તાત્કાલિક કેશડોલ સહાય પહોંચાડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. કોઈપણ
અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય તે માટે વિગતવાર સર્વે કરવામાં આવી રહ્યો છે.
આગામી
ત્રણ દિવસમાં સરવે પૂર્ણ થવાની શક્યતા છે. ભવિષ્યમાં સુરતમાં ખાડીપૂરની સમસ્યાનો કાયમી
ઉકેલ લાવવા રાજ્ય સરકારે રૂ.500 કરોડના ખાડી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને ઘરદીઠ રૂ.6,800ની તાકીદની સહાય ચૂકવવાની કામગીરી
પણ ચાલુ છે.
પૂરગ્રસ્ત
વેપારીઓ અને નાગરિકોને આર્થિક મદદ મળી રહે તે માટે વરાછા કો. ઓ. બેન્કે ફ્લડ લોન યોજના
શરૂ કરી છે. આ યોજનામાં રૂ.5 લાખ સુધીની લોન માત્ર 9 ટકા વ્યાજદરે આપવામાં આવશે. યોજનાનું
લોકાર્પણ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. વરાછા બેન્કના
ચેરમેન નરેન્દ્રભાઈ કુકડિયાએ જણાવ્યું હતું કે, લોન મેળવવામાં સરળતા રહે તે માટે બેન્કની
મુખ્ય કચેરી ખાતે વિશેષ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ પૂર અને પાણી ભરાવાની
કુદરતી આફતો સામે આર્થિક સુરક્ષા આપતી વિશેષ વીમા યોજના પણ શરૂ કરવામાં આવી છે.
ઇન્સ્યોરન્સ
ક્લેમ ઝડપથી ચૂકવવા કંપનીઓને સૂચના, કાળાબજારી સામે કડક કાર્યવાહીનો સંદેશ
ખાડીપૂરના
કારણે અસરગ્રસ્ત થયેલા સુરતને ફરી ધબકતું કરવા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા
કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતુ કે, પૂરથી દુકાનો, શેડ્સ અને વેપારી એકમોને થયેલા
નુકસાન અંગે રાહત પ્રક્રિયા હાથ ધરાઈ છે. વેપારીઓના નુકસાનના ઇન્સ્યોરન્સ ક્લેમનો ઝડપી
નિકાલ થાય તે માટે ઇન્સ્યોરન્સ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. કંપનીઓને
તમામ ક્લેમ ઝડપથી સ્વીકારી ઓછામાં ઓછી મુશ્કેલી સાથે પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપવામાં
આવી છે. ફરિયાદોના નિવારણ માટે નોડલ અધિકારીની નિમણૂક તેમજ ખાસ વેબસાઇટ શરૂ કરવાની
પણ તૈયારી છે. આ સાથે પૂર જેવી આપત્તિમાં કાળાબજારી કરનારાઓ અને વધુ ભાવ વસૂલતા દુકાનદારો
કે વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક ચેતવણી આપી છે.