• શનિવાર, 11 જુલાઈ, 2026

વેરાવળ પોલીસ પર હુમલા અને જુગારના કેસમાં 33 આરોપી ઝડપાયા

વેરાવળ, તા.10: વેરાવળના કોળીવાળા વિસ્તારમાં એસ.એમ.સી દ્વારા જુગારધામ પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન ભારે હંગામો મચ્યો હતો, જેમાં એકત્ર થયેલા ટોળાએ પોલીસ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસ અધિકારીએ આત્મરક્ષામાં હવામાં બે રાઉન્ડ ફાયારિંગ કરવું પડયું હતું. આ ઘટનાના પગલે પોલીસે જુગારધારા તેમજ પોલીસ પર હુમલો, રાયાટિંગ અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ બે અલગ-અલગ ગુના નોંધી અત્યાર સુધીમાં કુલ 33 આરોપીની ધરપકડ કરી લીધી છે. બાકીના ફરાર આરોપીઓને પકડવા એલસીબી, એસઓજી અને ડી-સ્ટાફની ટીમો બનાવી સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.

આ સમગ્ર હિંસક ઘટના અંગે માહિતી આપતા ડીવાયએસપી ચેતન ખટાણાએ જણાવ્યું હતું કે, જુગારધારાના કેસમાં કુલ 34 પૈકી 13 આરોપી અને પોલીસ પર હુમલાના કેસમાં કુલ 40 પૈકી 20 આરોપીઓને ઝડપી લેવાયા છે. નોંધનીય છે કે છેલ્લા છ મહિનામાં ગિર સોમનાથ જિલ્લામાં સ્ટેટ મોનિટારિંગ સેલ દ્વારા દારૂ-જુગાર અંગે સાતેક જેટલા સફળ દરોડા પાડવામાં આવ્યા છે, જેને પગલે સ્થાનિક એલસીબી અને એસઓજી જેવી મહત્ત્વની એજન્સીઓની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થતાં ચર્ચા જાગી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક