• રવિવાર, 12 જુલાઈ, 2026

ગિરનાર ઉપર બાળનો કાળ બન્યો સિંહ

પરિવારજનો સાથે ગિરનાર ચડી રહેલા 11 વર્ષના બાળકને સિંહે ઉઠાવી ફાડી ખાધો : ગિરનાર સીડીના ઈતિહાસમાં પહેલી વખત બની ઘટના

70 જવાનોએ ત્રણ સિંહને પાંજરે પુરી પરીક્ષણ કરતા એક સિંહની ઉલટીમાંથી બાળકના અવેશષ મળી આવ્યા : ખેડા પંથકના પરિવારનું હૈયાફાટ રૂદન

 જૂનાગઢ તા.11: ગિરનારના દર્શને આવેલા ખેડાના પરિવારના 11 વર્ષના બાળકને પરિવારની નજર સામે જ સિંહે ઉપાડી જઈ ફાડી ખાતા અરેરાટી ફેલાઈ છે. ગિરનાર સીડીના ઈતિહાસમાં પહેલી વખત બનેલી આવી ઘટનાથી યાત્રિકોમાં પણ ફફડાટ ફેલાયો છે.

 આજે વહેલી સવારે ગિરનાર પર્વતના 50 પગથિયે આ ઘટના બની હતી. જેમાં ખેડા પંથકના એક પરિવારની નજર સામે તેમના 11 વર્ષના માસુમ પુત્રને સિંહ ઉઠાવી જંગલમાં ફાડી ખાતા વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. વન વિભાગના 70 જેટલા જવાનોએ ત્રણ પાઠડા સિંહોને પીંજરે પુરી  પરીક્ષણ કરતા એક નર પાઠડા સિંહની ઉલટીમાંથી બાળકના અવશેષ મળી  આવ્યા હતા.

આ બનાવની વિગત પ્રમાણે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામના મયુરાસિંહ શકરાભાઈ ચૌહાણ અને તેમના આઠ સભ્યોનો પરિવાર ગિરનારના દર્શને આવ્યો હતો ભવનાથમાં રાત્રી રોકાણ કરી આજે વહેલી સવારે ગિરનાર ચડવાનો પ્રારંભ કર્યો હતો. ત્યાં 50 પગથીએ તેમના 11 વર્ષના પુત્ર મહેન્દ્રાસિંહને સીડીની બાજુમાં છુપાયેલ સિંહે ઉઠાવી જંગલમાં ઢસડી જઈ ફાડી ખાધો હતો.

 પરિવારની નજર સામે 11 વર્ષના માસુમ પુત્રને સિંહ ઉઠાવી જતા આ પરિવાર બે બાકડો થઈ ગયો હતો. અને પોલીસને જાણ કરતા પોલીસ અને વન વિભાગ  ઘટના સ્થળે દોડી આવી આસપાસના જંગલમાં તપાસ કરતા સીડી થી 100 મીટર દૂર બાળકના અવશેષો અને કપડાં મળી આવ્યા હતા.

આ બનાવથી વન વિભાગ હરકતમાં આવ્યો હતો અને ડીસીએફ અક્ષય જોશીની સૂચનાથી જૂનાગઢ વન વિભાગ, સામાજિક વનીકરણ વિભાગ અને સાસણ રેસ્ક્યુ ટીમના 70 જેટલા જવાનોએ શોધખોળ કરી આ વિસ્તારમાં વિહરતા ત્રણ સિંહોને બેભાન કરી પિંજરે પુરી પરીક્ષણ માટે સક્કર બાગ ઝુ માં મોકલવામાં આવ્યા હતા. તેમાં એક સિંહની ઉલટી માંથી બાળકના અવશેષો મળી આવ્યા હતા.

 આ અંગે જૂનાગઢના ડી.સી.એફ અક્ષય જોશીએ જણાવ્યું હતું કે વહેલી સવારે સિંહ રસ્તો ક્રોસ કરતી વખતે આ બાળકને શિકાર બનાવ્યો હતો. ગિરનારમાં માનવ ભક્ષી સિંહને પકડવા માટે યુદ્ધના  ધોરણે કામગીરી હાથ ધરી ત્રણ પાઠડા સિંહને પીંજરે પુર્યા હતા. તેમજ ઘટનાસ્થળે થી અલગ અલગ શરીરના અંગો પણ મળી આવ્યા હતા. ગિરનાર સીડીના ઇતિહાસમાં આ પ્રથમ બનાવ છે, યાત્રિકોની સુરક્ષા અંગે વિચારણા  કરાશે

ગિરનાર સીડી પર અંધારા હોવાથી આ બનાવ બન્યો : મૃતક બાળકના કાકા

બાળકના પિતરાઈ કાકા અનિલ સિંહ નટવરાસિંહ ચૌહાણ એ જણાવ્યું હતું કે પવિત્ર યાત્રાધામ ગિરનારની લાખો લોકો મુલાકાતે આવે છે પરંતુ ગિરનાર સીડી ઉપર અંધારા પથરાયેલ હોય પરિણામે આ બનાવ બન્યો હતો. અંધારા ના કારણે વન્યપ્રાણીની અવરજવર અને હિલચાલ નજરે પડી ન હતી. પરિણામે પોતાના ભત્રીજાને સિંહે શિકાર બનાવ્યો હતો.

 

બે હજાર પગથિયા સુધી ફેન્સીંગ કરવા વિચારણા

આવી ઘટના રોકવા ટ્રાસકફોસૅની રચના કરાશે અને સીડી પર 2000 પગથિયા સુધી ફેન્સીંગ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર સાથે ચર્ચા કરાશે ,સીડી વિસ્તારમાં વન વિભાગ ની તપાસ બાદ આવતીકાલથી ગિરનારની સીડી ચાલુ કરાશે અને સરકારી નિયમ મુજબ બાળકના પરિવારને રૂ.10,00,000 નું વળતર અપાશે.

અક્ષય જોશી, DCF, જૂનાગઢ

 

ઇ-પેપરના નવા શુલ્ક