• રવિવાર, 12 જુલાઈ, 2026

ભાવનગર સહકારી બેન્ક હાકિંગ કૌભાંડમાં વધુ 3 સાયબર ઠગ ઝડપાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.11:ભાવનગર સહકારી બેન્કની કોમ્પ્યુટર સિસ્ટમ અને સર્વર હેક કરીને 7.34 કરોડ વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવાના ચકચારી કૌભાંડમાં ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ હેઠળ આ કેસમાં પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા 10 પર પહોંચી છે.

સાયબર માફિયાઓએ બેન્કની ટેકનિકલ નબળાઈનો લાભ લઈ સર્વર અને કોર બેન્કિંગ સિસ્ટમ હેક કરી હતી અને ચાર ખાતાધારકોના મોબાઈલ નંબર બદલી પોતાના નંબર ઉમેરી દીધા હતા, જેથી બેન્કના મેસેજ અને ઓટીપી તેમને મળી રહે અને સાયબર ઠગાઈના નાણાં સરળતાથી જુદા જુદા મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકાય.

    પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે શરૂઆતમાં જે ચાર એકાઉન્ટ ધારકો ભોગ બનનાર લાગતા હતા, તેમાંથી જ એક મુખ્ય આરોપી નીકળ્યો છે. સુરતના અનિલ અગ્રવાતે ખોટા દસ્તાવેજો રજૂ કરીને બેન્કમાં ખાતું ખોલાવ્યું હતું અને બેન્કની વેલકમ કિટ મેળવી લીધી હતી. ત્યારબાદ આ કિટ વાસદના ભુમિલ પટેલને સોંપવામાં આવી હતી, જેણે તેમાં ઇન્ટરનેટ બાંકિંગ અને પાસવર્ડ સેટ કર્યા હતા. ભુમિલે આ કિટ રાજસ્થાનના વિકાસ ચૌધરીને મોકલી આપી હતી અને વિકાસે કૌભાંડની મુખ્ય હાકિંગ ગેંગ સાથે જોડાયેલા જયપુરના એક શખ્સને આ કિટ પહોંચાડી હોવાનું ટેકનિકલ પુરાવાઓમાં સામે આવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક