• શનિવાર, 11 જુલાઈ, 2026

અરવલ્લીના માલપુર પંથકમાં 16 ટ્રેક્ટર, 7 ટ્રોલી લઈને ચાર શખસ ફરાર

મોડાસા, તા.10: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં ખેડૂતો સાથે મોટા પાયે છેતરાપિંડીનો મામલો સામે આવ્યો છે. ચાર શખસે ખેડૂતોને સોલાર કંપનીઓ અને કન્સ્ટ્રક્શન સાઇટ પર ટ્રેક્ટર ભાડે ચલાવવાના બહાને વિશ્વાસમાં લઈ ભાડા કરાર કરાવ્યા બાદ લાખો રૂપિયાના ટ્રેક્ટરો અને ટોલીઓ પરત ન આપતાં માલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ ફરિયાદ મુજબ આરોપી વિજય રાધાભાઈ પરમાર, સુનીલ કાળાભાઈ પરમાર, પ્રવિણ કનકાભાઈ મસાર અને કનુ જશુભાઈ પાંડોરએ અગાઉથી ગુનાહિત કાવતરું રચી ખેડૂતોને માસિક ભાડાની લાલચ આપી ટ્રેક્ટરો ભાડે લીધા હતા.

મુખ્ય ફરિયાદી લખમણભાઈ સાયબાભાઈ મારિવાડ (રહે. મેવડા)એ જણાવ્યું હતું કે, આરોપીઓએ તેમનું ટ્રેક્ટર દર મહિને રૂ.17,000ના ભાડે લઈ શરૂઆતમાં બે મહિનાનું એડવાન્સ ચૂકવ્યું હતું. ત્યારબાદ ભાડું આપવાનું બંધ કરી દીધું અને ચોમાસાની સીઝન શરૂ થતાં ટ્રેક્ટર પરત માંગવા છતાં કોઈ જવાબ આપ્યો નહીં. આરોપીઓના ઘરે તપાસ કરતાં તેઓ પણ મળી આવ્યા નહોતા. તપાસ દરમિયાન અન્ય ખેડૂતો પણ ભેગા થતાં જાણવા મળ્યું હતું કે, કુલ 16 ટ્રેક્ટર અને 7 ટ્રોલી ભાડા કરારથી લઈ ભાડું ચૂકવ્યા વગર તેમજ કરાર પૂર્ણ થયા છતાં પરત ન આપવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ કુલ રૂ.87 લાખની છેતરપીંડી થઇ હોવાનું જણાવાયું છે. આ કેસમાં માલપુર તાલુકા ઉપરાંત મેઘરજ વિસ્તારના અનેક ખેડૂતો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. માલપુર પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચી વિશ્વાસઘાત અને છેતરાપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક