ફાસ્ટેગની ખામી મુદ્દે રજૂઆત
કરતા કર્મચારીઓએ પાઇપ વડે હુમલો કર્યો
(ફૂલછાબ ન્યુઝ)
હળવદ, વેરાવળ, તા.22 : સોમનાથ
મહાદેવના દર્શન કરીને પરત ફરી રહેલા મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપન દવે પર ડારી
ટોલનાકા પર ટોળા દ્વારા પાઇપ વડે જાન લેવા હુમલો કરાતા ચકચાર મચી ગઈ છે. ફાસ્ટેગમાં
ટેકનિકલ ખામીનાં કારણે ટોલનાકા પર વાહનોની લાંબી લાઇનો લાગી હતી. આ અંગે તપન દવેએ રજૂઆત
કરતા ટોલનાકાના કર્મચારીઓએ ગેરવર્તન કર્યું હતું અને પાઇપથી હુમલો કરી દીધો હતો. ઇજાગ્રસ્ત
તપન દવેને તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. પ્રભાસ પાટણ પોલીસે આ મામલે
રાયાટિંગ, હુમલો અને લૂંટ સહિતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાને પગલે ડારી ટોલનાકાની
મનમાની અને સામાન્ય જનતાની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકોના આક્ષેપ
મુજબ, આ ટોલનાકા પર ફાસ્ટેગની ટેકનિકલ સમસ્યા ઘણા સમયથી છે અને જાણી જોઈને તેનો ઉકેલ
લાવવામાં આવતો નથી. ફાસ્ટેગ ફોલ્ટ બતાવીને લોકો પાસેથી રોકડા પૈસા પડાવી ડબલ વસૂલાત
કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. આ હુમલા બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં
ભારે ચર્ચા જાગી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો શાસક પક્ષના મહામંત્રી પણ અહીં
સુરક્ષિત ન હોય, તો સામાન્ય નાગરિકોની હાલત શું થતી હશે ? આ ઘટનાથી ટોલનાકા પર સામાન્ય
જનતા સાથે થતી જોહુકમી ફરી એકવાર ખુલ્લી પડી છે.