• શનિવાર, 14 જૂન, 2025

જામનગરમાં એસ.ઓ.જી.નો કર્મચારી રૂ.1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ચીટિંગની અરજીમાં હેરાન ન કરવા મગાઈ હતી લાંચ : ઉદ્યોગનગર ચોકીના પી.એસ.આઈ. અને રાઈટર વતી લાંચ લેવા આવતા રાજકોટ એ.સી.બી.એ પકડી લીધો

જામનગર, તા.12: જામનગરમાં રાજકોટ એ.સી.બી.ની ટુકડીએ સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચનું છટકું ગોઠવી ઉદ્યોગનગર પોલીસ ચોકીના પી.એસ.આઇ અને રાઈટર વતી રૂ.1 લાખની લાંચ લેતા એસ.ઓ.જી.ના પોલીસ કર્મચારીને રંગે હાથ ઝડપી લીધો હતો જ્યારે પી.એસ.આઇ અને રાઈટર નાશી છૂટયા તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.

જામનગરમાં રહેતા એક નાગરીકની વિરુદ્ધમાં ઉદ્યોગનગર પોલીસ ચોકીમાં ચાટિંગની અરજી થઈ હતી. જે અરજીના અનુસંધાને ઉદ્યોગનગર પોલીસ ચોકીના પી.એસ.આઇ. આર.ડી ગોહિલ અને તેના રાઈટર ધમભાઈ બટુકભાઈ મોરીએ તે વ્યક્તિને પોલીસ ચોકીમાં બોલાવ્યા બાદ આગળની તપાસમાં હેરાન પરેશાન નહીં કરવા માટે રૂ.1 લાખની લાંચની માગણી કરી હતી, અને તે રકમ એસ.ઓ.જી.માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રવિ ગાવિંદભાઈ શર્માને આપવા માટેનું નક્કી થયું હતું.

અરજદાર તે રકમ આપવા માગતા ન હોવાથી તેણે રાજકોટ એ.સી.બી શાખાનો સંપર્ક સાધતા જામનગરના સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચનું છટકું ગોઠવાયું હતું. જેમાં ઉદ્યોગનગર ચોકીના પી.એસ.આઇ અને રાઇટર વતી રૂ.1 લાખની લાંચની રોકડ રકમ લેવા માટે આવેલા એસ.ઓ.જી.ના પોલીસ કર્મચારી રવિ ગાવિંદભાઈ શર્માને રાજકોટ એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લઇ તેના કબજામાંથી રોકડ રકમ કબજે કરી પૂછપરછ કરતા તેણે કબૂલાતમાં પોતે પી.એસ.આઇ. આર.ડી ગોહિલ અને રાઈટર ધનાભાઈ મોરી વતી લાંચની રકમ મેળવી હોવાનું કબૂલી લીધું હતું. દરમિયાન પી.એસ.આઇ અને રાઈટર હાલ ભાગી છુટયા હોવાથી બન્નેની શોધ ચલાવાઇ રહી છે. આ સફળ ટ્રેપને લઈને જામનગરના પોલીસ બેડામાં સોંપો પડી ગયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક