• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

12 સેકન્ડમાં જ આગનો ગોળો બન્યું વિમાન

વિમાનની ઉંચાઈ વધુ ન હોવાથી બચવાનો સમય ન મળ્યો

 

અમદાવાદ, તા. 12 : અમદાવાદમાં મોટી વિમાન દુર્ઘટનામાં ગણતરીની સેકન્ડમાં લંડન માટે રવાના થયેલું વિમાન તૂટી પડયું હતું. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા અને તેમાંથી કોઈ બચ્યું નથી તેવા અહેવાલ સામે આવી ચૂક્યા છે. માનવામાં આવે છે કે એરપોર્ટેથી એર ઈન્ડિયાના વિમાન બોઈંગ એએલ-171એ ટેકઓફ કરતા જ એન્જીન ફેઈલ થયું હતું. પાયલટ પાસે માત્ર એક જ મિનિટનો સમય હતો, જો કે વિમાન એટલી ઓછી ઉંચાઈએ હતું કે વૃક્ષો સાથે ટકરાયું હતું અને હોસ્ટેલ ઉપર પડયું હતું. વિમાનનો પાછળનો હિસ્સો ટકરાતા ભીષણ આગ લાગી હતી. હકીકતમાં વિમાન લેન્ંિડંગની સ્થિતિમાં આવી ગયું હતું અને તરત જ આગના ગોળામાં તબદીલ થયું હતું. ઉડાન ભર્યા સાથે જ વિમાન નીચે આવવા લાગ્યું હતું અને 12 જ સેકન્ડમાં જમીન સાથે ટકરાયું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.

 

ટેકઓફ દરમિયાન સૌથી વધારે દુર્ઘટના

 

દર વર્ષે દુનિયાભરમાં સેંકડો વિમાન દુર્ઘટના બને છે. તેમ છતાં હવાઈ મુસાફરી સૌથી સુરક્ષિત મનાય છે. છેલ્લા સાત વર્ષમાં દર વર્ષે સરેરાશ  200 વિમાન દુર્ઘટના બની છે. જેમાં સૌથી વધારે બનાવ ટેક ઓફ દરમિયાન અને પછી લેન્ડિંગ દરમિયાન બને છે. 2023મા 109 દુર્ઘટના બની હતી. જેમાંથી 37 ટેકઓફ અને 30 લેન્ડિંગના સમયે બની હતી.

 

6 વર્ષમાં 813 પ્લેન ક્રેશ,  1500 મૃત્યુ

એવિએશન સેફટી સંસ્થાના આંકડા અનુસાર 2017થી 2023 વચ્ચે દુનિયાભરમાં 813 પ્લેન ક્રેશ થઈ ચુક્યા છે. 813 બનાવમાં 1473 યાત્રીઓએ જીવ ગુમાવ્યો છે. તેમાં પણ લેન્ડિંગ સમયે 267 બનાવ બન્યા છે અને 212 દુર્ઘટના ઉડાન સમયે થઈ છે.

 

પાયલોટની ભૂલ મોટું કારણ

એક રિપોર્ટ અનુસાર પાયલોટની ભૂલો વિમાન દુર્ઘટનાનું સૌથી મોટું કારણ છે. વિમાન ચલાવવા લાંબી ટ્રેનિંગ, વિમાનનું યાંત્રિક જ્ઞાન અને વિમાનને પ્રભાવી તેમજ સુરક્ષિત રીતે ચલાવવા હાથ-આંખ વચ્ચે સારો તાલમેલ જરૂરી છે. વધુમાં પાયલોટે હવામાન પારખવું, બદલાવનું અનુમાન કરવું વગેરે ઉપર ધ્યાન રાખવું પડે છે. યુરોપીયન સેફ્ટી કાઉન્સીલના રિપોર્ટ અનુસાર 90 ટકા પ્લેન ક્રેશનું કારણ ટેક્નિકલ ફોલ્ટ હોય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક