સુરવા ગીર- ગામથી આગળ હડમતીયા ગીર માર્ગ ઉપર ફાર્મમાં પોલીસે દરોડો પાડી રૂ.41 લાખ 30 હજાર 660નો મુદ્દામાલ કબજે કર્યો
તાલાલા
ગીર, તા.12: તાલાલા ગીરથી 15 કિ.મી. દૂર સુરવા ગીર-હડમતીયા ગીર માર્ગ ઉપર આવેલ એથીઝ
ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ ઉપર પોલીસ ત્રાટકતા દારૂની મહેફિલની મજા માણતા રાજકોટ
વિસ્તારના પ્યાસીઓના રંગમાં ભંગ પડી ગયો હતો.
પોલીસમાંથી
પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે તાલાલા પંથકના સુરવા ગીર-હડમતીયા ગીર ગામે જતાં માર્ગ ઉપર
આવેલા એથીઝ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળતા તાલાલા
પી.આઈ.જે.એન.ગઢવી તથા પી.એસ.આઈ.પી.વી.ધનેશા એ સ્ટાફ સાથે ફાર્મ હાઉસમાં છાપો માર્યો
હતો.
પોલીસે
દારૂની મહેફિલની મજા માણતા રાજકોટ વિસ્તારના 22 શખ્સો તથા મૂળ ગીર ગઢડા તાલુકાના ઝુડવડલી
ગામે રહેતા ફાર્મ હાઉસના સંચાલક દીપ ઘનશ્યામભાઈ દોમડીયા સહિત 23 શખ્સની ફાર્મ હાઉસમાંથી
ધરપકડ કરી હતી. પોલીસે મહેફિલના સ્થળેથી સાત બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ, 25 મોબાઈલ,
ચાર ફોરવીલ સાથે કુલ રૂ.41 લાખ 30 હજાર 660નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા શખસો સામે
પ્રોહીબીશનની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી પી.આઈ જે.એન. ગઢવીએ કાયદાકીય કાર્યવાહી
કરી વધુ તપાસ હાથ ધરી છે.