• રવિવાર, 21 જુલાઈ, 2024

રાજકોટમાં મહિલા સાથે પતિના મિત્રએ કારમાં દુષ્કર્મ આચરી ધમકી આપી ફરાર નણંદને વાત કર્યા બાદ મામલો પોલીસમાં પહોંચ્યો : જીવાપરના શખસની શોધખોળ

રાજકોટ, તા.16 : રાજકોટના મોરબી રોડ પરના વિસ્તારમાં રહેતી પરિણીતાને પતિના મિત્રએ મંદિરે દર્શન કરવા બોલાવ્યા બાદ કારમાં બેસાડી કાળીપાટ ગામ પાસે કારમાં દુષ્કર્મ આચરી પતિને મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. પોલીસે ટંકારાના જીવાપર ગામના શખસ સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, રાજકોટના મોરબી રોડ પરના વિસ્તારમાં રહેતી મહિલાએ ટંકારા તાબેના જીવાપર ગામે રહેતા મુન્ના ધીરુ વરુ નામના શખસે કારમાં કાળીપાટ ગામ પાસે લઈ જઈ કારમાં દુષ્કર્મ આચરી પતિને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા આજીડેમ પોલીસે જીવાપર ગામના મુન્ના ધીરુ વરુ નામના શખસ સામે ગુનો નોંધી ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં ફરિયાદી મહીલાનો પતિ પડધરી પંથકમાં ખેતીકામ કરે છે અને જીવાપર ગામે રહેતો મુન્નો વરુ નામનો શખસ મહિલાના પતિનો મિત્ર હોઇ અવારનવાર ઘેર આવતો હતો. દરમિયાન મહિલાને ફોન કરી આજીડેમ ખાતે આવેલ મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા બોલાવતા મહિલા તેના પુત્ર સાથે ગઈ હતી અને પુત્રને મંદિરે શ્રીફળ વધેરવા મોકલ્યા બાદ મુન્ના વરુએ મહિલાને તેના પતિના ખરાબ કામ બાબતે વાત કરી હતી અને બાદમાં માતા-પુત્ર ઘેર આવતા રહ્યા હતા.

બાદમાં ગત તા.7/6 ના મુન્ના વરુએ મહિલાના પુત્રના મોબાઈલમાં ફોન કરી ફરીથી મંદિરે શ્રીફળ વધેરવા બોલાવતા માતા-પુત્ર ગયા હતા અને પુત્રને મંદિરે શ્રીફળ વધેરવા મોકલ્યા બાદ મહિલાને મુન્ના વરુ કારમાં બેસાડી કાળીપાટ ગામ પાસે ખુલ્લી જગ્યામાં લઈ ગયો હતો અને કારમાં અડપલા કર્યા બાદ મહિલા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું અને મહિલાને તેના પતિને મારી નાખવાની ધમકી આપી નાસી છુટયો હતો અને બાદમાં મહિલા તેના પુત્ર સાથે ઘેર આવતી રહી હતી. ત્યાર બાદ મહિલાની નણંદ ઘેર આવતા સઘળી હકીકત જણાવતા પતિને પણ વાત કરી હતી અને મામલો પોલીસમાં પહોંચ્યો હતો. આ અંગે આજીડેમ પોલીસે જીવાપરના મુન્ના ધીરુ વરુ વિરુધ્ધ ગુનો નોંધી ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક