• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

પરીક્ષા પે ચર્ચા ઃ ગુજરાતના વિદ્યાર્થીને મોદીનું આલિંગન

નવીદિલ્હી, તા.9ઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા-2026ના બીજા એપિસોડ દરમિયાન દેશનાં વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.  ગુજરાતના બે ભાઈ અવિ અને જય પણ આ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પરિચય દરમિયાન બન્નેનાં નામ સામે આવતા જ પ્રધાનમંત્રી મોદીએ સ્મિત કર્યું અને વિદ્યાર્થી જયને ઉષ્માભર્યાં આલિંગન સાથે આવકાર આપ્યો હતો.

વડાપ્રધાન મોદીની આ બન્ને ભાઈ સાથે પહેલી મુલાકાત વર્ષ 2022માં થઈ હતી જ્યારે અવિ અને જય ફરીથી પરીક્ષા પે ચર્ચા 2026ના મંચ પર પહોંચ્યા અને પ્રધાનમંત્રીને મળ્યા ત્યારે વાતાવરણ ભાવનાત્મક અને ઉત્સાહી બની ગયું હતું. પીએમ મોદી તરત જ તેમને ઓળખી ગયા હતા અને યાદ કર્યું કે તેઓ અગાઉ પણ તેમને મળવા આવ્યા હતા. વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ‘જય અને અવિ, તમે બન્ને હવે ઘણા મોટા થયા છો. તમે બાકીના સાથીઓને પણ જણાવો કે આપણો અગાઉથી જ પરિચય છે કે નહીં ? ત્યારબાદ તેમણે મજાકમાં હાજર અન્ય વિદ્યાર્થીઓને પૂછ્યું કે શું તેઓ હવે પહેલા કરતા વધુ આત્મવિશ્વાસ ધરાવે છે.  વિદ્યાર્થીઓએ સ્મિત સાથે હકારાત્મક જવાબ આપ્યો હતો.

ત્યારબાદ ગુજરાતથી આવેલા વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરના રાઉન્ડ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી.  પ્રધાનમંત્રી મોદીએ ખાસ કરીને આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ સાથે શિક્ષણના મહત્ત્વ, પરીક્ષાના તણાવને કેવી રીતે નિયંત્રિત કરવો, ભવિષ્યના કારકિર્દી વિકલ્પો અને રાષ્ટ્ર નિર્માણમાં આદિવાસી સમાજની ભૂમિકા અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આદિવાસી વિસ્તારોનાં બાળકોએ પ્રધાનમંત્રીનું તેમની સ્થાનિક ભાષામાં સ્વાગત કર્યું હતું અને તેમને પરંપરાગત લોક કળાથી સુશોભિત જેકેટ પહેરેલા જોઈને ખુશી વ્યક્ત કરી હતી. પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં એક વિદ્યાર્થિનીએ કહ્યું કે, તેમને મળવું તેમના માટે ગર્વની વાત છે અને દેશના દરેક વિદ્યાર્થી જીવનમાં ઓછામાં ઓછું એક વાર પ્રધાનમંત્રીને મળવા માગે છે.

દરમિયાન, એક વિદ્યાર્થીએ ગુજરાતના આદિવાસી વિસ્તારોના વિકાસ માટે કરવામાં આવેલાં કાર્ય પાછળની પ્રેરણા વિશે પ્રશ્ન કર્યો હતો. તેના જવાબમાં પ્રધાનમંત્રી મોદીએ પાલ-િચતારિયાની ઘટના અંગેના પોતાના અનુભવ અને આદિવાસી સમુદાયો સામેના પડકારોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે મુશ્કેલ સંજોગો અને દુષ્કાળ દરમિયાન ત્યાં કામ કરતી વખતે તેમને શિક્ષણનું મહત્ત્વ નજીકથી સમજવાની તક મળી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજની સ્વતંત્રતા અને સંઘર્ષની વાર્તા પ્રેરણાદાયી રહી છે અને આ જ અનુભવ તેમને શિક્ષણને પ્રાથમિકતા આપવા માટે પ્રેરિત કરે છે.  તેમણે યાદ કર્યું કે, એક સમયે ઉમરગાંવથી અંબાજી સુધી વિજ્ઞાન શિક્ષણ સાથે સંબંધિત કોઈ મોટી સંસ્થા નહોતી પરંતુ હવે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓને વધુ સારી તકો આપી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, શિક્ષણ એ વિકાસનો સૌથી મજબૂત પાયો છે અને મજબૂત માળખાગત સુવિધાઓ લાંબા ગાળાની પ્રગતિનો માર્ગ મોકળો કરે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઊંઝામાંથી ત્રણ કરોડના જીરૂની ચોરીમાં હાઇ કોર્ટનો વકીલ સૂત્રધાર February 09, Mon, 2026