• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

ભવનાથ તળેટીમાં આજથી બમ બમ ભોલે...નો નાદ

મહાશિવરાત્રીના મેળાના પ્રારંભે પ્રથમવાર ‘ડમરુ યાત્રા’નું આયોજન : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સાધુ-સંતોને નગર પ્રવેશ કરાવાશે

પ્રથમવાર સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે

800થી વધુ ભાવિકો માટે રહેવાની સુવિધા, 25 સ્થળોએ વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા: ભવનાથ વિસ્તારને ભગવાન ભોલેનાથની થીમ પર શણગાર

જૂનાગઢ, તા.10: ગિરનારની પવિત્ર તળેટીમાં શિવ-શક્તિ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળો’ યોજાવા જઈ રહ્યો છે. આવતીકાલે તા.11ને બુધવારે ભવનાથ મહાદેવના મંદિર પર પરંપરાગત ધ્વજારોહણ સાથે આ પાંચ દિવસીય મેળાનો વિધિવત પ્રારંભ થશે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન આ મેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. વર્ષ 2017 બાદ, વર્ષ 2026માં પણ રાજ્ય સરકાર દ્વારા આ મેળાને ‘િમની કુંભ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

મેળાનો વિધિવત્ પ્રારંભ 11 ફેબ્રુઆરીએ સવારે ભવનાથ મંદિરે ધજારોહણ સાથે થશે. મહાશિવરાત્રી મેળાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને દીપાવવા માટે આ વર્ષે પ્રથમવાર ભવ્ય ‘ડમરુ યાત્રા’નું આયોજન કરાયું છે. ઇતિહાસમાં પ્રથમવાર સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે. સાંજે 7:00 કલાકે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ‘ડમરુ યાત્રા’, આયોજન કરવામાં આવ્યું છે. ડમરુ યાત્રા ભવનાથ પ્રવેશદ્વારથી શરૂ થઈ ભવનાથ મંદિર સુધીના અંદાજિત 400 મીટરના માર્ગ પર ભક્તિમય માહોલમાં નીકળશે. યાત્રાના સમાપન બાદ ભવનાથ મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. 

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોના રાત્રિ રોકાણને આરામદાયક બનાવવા માટે 800-850 ભાવિકોની ક્ષમતા ધરાવતો વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ભાવિકો માટે 2000 ચો.મી.માં ફેલાયેલા આ ડોમમાં 700 પલંગ અને 150 ફ્લોર બાડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે તેમને 24 કલાક હાઉસકાપિંગ, મેડિકલ સહાય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને સામાન રાખવા માટે અલગ લગેજ રેક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

સમગ્ર ભવનાથ વિસ્તારને ભગવાન ભોલેનાથની થીમ પર શણગારવામાં આવ્યો છે. રવેડી રૂટ પર આકર્ષક રોશની, 6 મુખ્ય પ્રવેશદ્વારોનું સુશોભન અને રસ્તામાં 6 સેલ્ફી પોઈન્ટ્સ ઉભા કરાયા છે. શ્રદ્ધાળુઓ માટે 140 પાણીની પરબ, 28 મેડિકલ કાઉન્ટર્સ અને 124 જેટલા હંગામી ટોયલેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળાના અંતિમ દિવસે એટલે કે મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળનારી સાધુ-સંતોની શાહી રવેડી અને ત્યાર બાદ મૃગીકુંડમાં થતું શાહી સ્નાન આ મેળાનું સર્વોચ્ચ આધ્યાત્મિક આકર્ષણ રહેશે. જેમાં ભાગ લેવા ભારતભરમાંથી દિગંબર સાધુઓ અને નાગા સાધુઓ ઉમટી પડશે. ભવનાથ તળેટી ખાતે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે તા. 11 થી 14 ફેબ્રુઆરી દરમિયાન દરરોજ બે સત્રમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં દેશ-વિદેશના ખ્યાતનામ કલાકારો અને સ્થાનિક કલાકારો ભક્તિરસ પીરસશે.

મેળામાં આવતા નાગરીકોના વાહનોના વ્યવસ્થાપન માટે ઉ5રકોટ, પાંજરાપોળ, વાઘેશ્વરી મંદિર  જેવા 25 અલગ-અલગ સ્થળોએ વિશાળ પાર્કિંગ પ્લોટ્સ બનાવવામાં આવ્યા છે. નાગરીકોના વાહનોની સુરક્ષા માટે દરેક પાર્કિંગમાં સીસીટીવી કેમેરા, પીવાનું પાણી અને શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

 મેળાની પૂર્વતૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના સમગ્ર મેળા રૂટનું ચાલીને નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે શ્રદ્ધાળુઓ માટે જરૂરી સુવિધાઓ અને આનુસંગિક કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

પાકિસ્તાન ફરી ઘૂંટણિયે : ભારત સામેના મેચ બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચ્યો February 11, Wed, 2026