• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

AI જનરેટેડ નકલી કંટેન્ટ ઉપર અંકુશ

તમામ સોશિયલ મીડિયા માટે કેન્દ્ર સરકારનો આદેશ: કાયદાનાં ભંગમાં ત્રણ કલાકમાં કાર્યવાહી થશે: સોશિયલ મીડિયા અને યુઝર બન્ને હવે જવાબદાર

નવી દિલ્હી, તા.10: એઆઈ (આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સ) દ્વારા તૈયાર કરાયેલી નકલી અને ભ્રામક સામગ્રી સામે કેન્દ્ર સરકારે કરડી નજર કરી છે અને હવે આનાં માટે સોશિયલ મીડિયા અને યુઝર બન્ને માથે કડક નિયમપાલનની જવાબદારી નાખવામાં આવી છે.  આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને એક આદેશ જારી કર્યો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે, આવા કોઈપણ કન્ટેન્ટ ઉપર સ્પષ્ટ રીતે લેબલ (વોટરમાર્ક) લગાવવું ફરજિયાત રહેશે. આવી સામગ્રીની ઓળખ માટે ચોક્કસ નિશાની હોવા જરૂરી છે. આ ઉપરાંત કોઈપણ બનાવટી કંટેન્ટને ત્રણ જ કલાકની અંદર હટાવી લેવાની કાર્યવાહી કરવી ફરજિયાત છે. આવી જ રીતે જો કોઈ યુઝર તરફથી ગેરમાર્ગે દોરતા આવા કોઈપણ કંટેન્ટ જાહેર કરવામાં આવે તો તેની સામે પણ કાયદાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. પોસ્ટ કરતી વખતે યુઝરે પણ જણાવવું પડશે કે તેનાં દ્વારા તૈયાર થયેલી સામગ્રી એઆઈ જનરેટેડ છે કે નહીં.

 સરકારના કહેવા મુજબ હવે માણસ દ્વારા બનાવેલી અથવા કૃત્રિમ રીતે તૈયાર કરાયેલી માહિતી સ્પષ્ટ રીતે ઓળખી શકાય એવા લેબલ (વોટરમાર્ક) સાથે દર્શાવવી ફરજિયાત રહેશે. તેમાં એવા તમામ ઓડિયો, વીડિયો, ફોટો અથવા ગ્રાફિક સહિત કોઈપણ પ્રકારની ડિજિટલ સામગ્રીનો સમાવેશ થાય છે, જે કમ્પ્યુટર અથવા અન્ય કોઈ સાધન દ્વારા બનાવવામાં, ફેરફાર કરવામાં અથવા બદલવામાં આવી હોય. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આ બાબત સુનિશ્ચિત કરવી પડશે કે કોઈપણ યુઝર આવી સામગ્રીનો ગેરકાયદેસર ઉપયોગ ન કરે. જો કોઈ યુઝર ગેરકાયદેસર, અશ્લીલ, છેતરાપિંડીયુક્ત અથવા બાળકોના યૌન શોષણ સાથે સંબંધિત સામગ્રી બનાવે કે શેર કરે, તો પ્લેટફોર્મ્સ તેને રોકવા માટે સ્વચાલિત (ઓટોમેટેડ) ટેકનોલોજીનો ઉપયોગ કરશે. પ્લેટફોર્મ્સે યુઝર્સને ઓછામાં ઓછાં દર ત્રણ મહિને આ બાબતની ચેતવણી આપવી પડશે કે નિયમોનું ઉલ્લંઘન કરવાથી દંડ અથવા સજા થઈ શકે છે. જો કોઈ નિયમ તોડશે, તો તેનું ખાતું સસ્પેન્ડ કરવામાં આવી શકે છે અથવા તેની સામગ્રી દૂર કરવામાં આવી શકે છે.

સરકારે કાર્યવાહી માટેની સમયમર્યાદા પણ ઘટાડી છે. અગાઉ 36 કલાકમાં કાર્યવાહી કરવાની હતી, હવે માત્ર ત્રણ કલાકમાં જાણ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. ઉલ્લંઘન થતાં જ પ્લેટફોર્મ્સે તરત યોગ્ય કાર્યવાહી કરવી પડશે. આ પગલું ડિજિટલ મીડિયા ક્ષેત્રમાં સુરક્ષા, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે. તેના દ્વારા યુઝર્સને એ સમજવામાં મદદ મળશે કે કઈ માહિતી વાસ્તવિક છે અને કૃત્રિમ રીતે તૈયાર કરાયેલી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

પાકિસ્તાન ફરી ઘૂંટણિયે : ભારત સામેના મેચ બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચ્યો February 11, Wed, 2026