• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

લોકસભા સ્પીકર સામે વિપક્ષની અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ 118 સાંસદોએ કર્યા હસ્તાક્ષર, તૃણમૂલે આપ્યો કોંગ્રેસને ઝટકો

સ્પીકરે નોટિસ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવા સચિવાયલને આપ્યો નિર્દેશ

નવી દિલ્હી, તા.10: વિપક્ષે લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ આક્રમકતા અખત્યાર કરી લીધી છે. કોંગ્રેસનાં સાંસદ ગૌરવ ગોગોઈનાં વડપણમાં વિપક્ષનાં 118 સાંસદ સ્પીકર વિરુદ્ધ પક્ષપાતી વ્યવહાર, વિપક્ષી નેતા રાહુલ ગાંધીને બોલવા ન દેવા અને સાંસદોનાં સસ્પેન્શનનાં આરોપો સાથે અવિશ્વાસ પ્રસ્તાવ લાગ્વ્યા છે. અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ મળતાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ લોકસભા સચિવાલયને નોટિસની ચકાસણી કરીને તેનાં ઉપર ઝડપી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્દેશ આપી દીધો છે.

કોંગ્રેસ તરફથી લાવવામાં આવેલા આ અવિશ્વાસ પ્રસ્તાવમાં તેને તૃણમૂલ કોંગ્રેસનો સાથ મળ્યો નથી. લોકસભામાં કોંગ્રેસનાં ઉપનેતા ગૌરવ ગોગોઈ, કોંગ્રેસનાં મુખ્ય સચેતક કોડિકુનિલ સુરેશ અને સાંસદ મોહમ્મદ જાવેદ તથા અન્ય તરફથી લોકસભા સચિવાલયને આ નોટિસ સોંપવામાં આવી હતી. આ નોટિસ મળ્યા બાદ લોકસભા અધ્યક્ષે પોતાનાં વિરોધી આ અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ઝડપથી કાર્યવાહી કરવા માટે સચિવાલયને નિર્દેશ આપ્યો હતો. આ નોટિસમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે સહિતનાં અન્ય વિપક્ષી દળોનાં કુલ 118 સાંસદોએ હસ્તાક્ષર કરેલા છે. બંધારણનાં અનુચ્છેદ 94(સી) હેઠળ આ પ્રસ્તાવની નોટિસ લોકસભા સચિવાલયને પાઠવવામાં આવી છે. આ નોટિસ મળ્યા બાદ બિરલાએ પોતાને સદનની કાર્યવાહીનાં સંચાલનથી અળગા કરી લીધા છે અને આજે તેઓ ગૃહનું સંચાલન કરવા માટે આસન ઉપર આવ્યા ન હતાં. ઓમ બિરલાને હટાવવા માટેનાં આ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસમાં રાહુલ ગાંધીએ હસ્તાક્ષર કર્યા નથી. કોંગ્રેસે આ વિશે કહ્યું હતું કે, સંસદીય લોકતંત્રની ગરિમાને ધ્યાને રાખતા વિપક્ષી નેતા દ્વારા આ નોટિસમાં હસ્તાક્ષર કરવા અયોગ્ય હોવાનાં કારણે તેમણે સહી કરેલી નથી.

ઉલ્લેખનીય છે કે, સોમવારે મળેલી બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરી, ડીએમકે, સપા, રાજદ, શિવસેના(ઉદ્ધવ), એનસીપી(શરદ પવાર) સહિતનાં પક્ષનાં નેતાસઓએ ભાગ લીધો હતો. ગત તા.2 ફેબ્રુઆરીનાં રોજ રાહુલ ગાંધીને પૂર્વ સેના પ્રમુખ નરવણેનાં અપ્રકાશિત સંસ્મરણનાં પુસ્તક સંબંધિત મુદ્દો ઉઠાવવા માટે મંજૂરી અપાઈ નહોતી અને પછી સદનની અવમાનના સબબ વિપક્ષનાં આઠ સાંસદોને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતાં. ત્યારેથી સંસદની કાર્યવાહીમાં મડાગાંઠ સર્જાયેલી છે. વિપક્ષનાં આરોપ છે કે, સ્પીકર પક્ષપાતી વલણ અપનાવીને વિપક્ષનાં નેતાઓને બોલવા દેતા નથી.

આજે પણ લોકસભાની કાર્યવાહી શરૂ થવા સાથે જ હંગામો થયો હતો અને તેનાં હિસાબે 12 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

પાકિસ્તાન ફરી ઘૂંટણિયે : ભારત સામેના મેચ બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચ્યો February 11, Wed, 2026