ડીયુનો જવાબ : હાઇ કોર્ટે વાંધો નોંધાવવા 3 સપ્તાહનો સમય આપ્યો
નવી દિલ્હી, તા.10 : વડાપ્રધાન
મોદીની ડિગ્રીઓનો મામલો માત્ર સનસની ફેલાવવાનો પ્રયાસ હોવાનો દિલ્હી યુનિવર્સિટીએ કોર્ટમાં
જવાબ દાખલ કર્યો છે. મંગળવારે દિલ્હી હાઇ કોર્ટે વડાપ્રધાન મોદીની શૈક્ષણિક ડિગ્રીઓ
સંબંધિત માહિતી જાહેર કરવા અંગે ચાલી રહેલા કેસમાં દિલ્હી યુનિવર્સિટી (ડીયુ)ને અપીલ
દાખલ કરવામાં વિલંબ સામે વાંધો નોંધાવવા ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ ડી.કે.ઉપાધ્યાય
અને ન્યાયાધીશ તેજસ કારિયાની બનેલી ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, વિનંતી મુજબ વિલંબ
માફ કરવા માટેની અરજી પર વાંધો નોંધાવવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવે છે.
આગામી સુનાવણી 27 એપ્રિલે યોજાશે. દિલ્હી યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર
જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે સમગ્ર કેસમાં કંઈપણ નોંધપાત્ર નથી અને તે ફક્ત સનસનાટીભર્યા
બનાવવા માટે ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે અપીલમાં વિલંબ સહિત કેસના ગુણદોષ પર જવાબ
દાખલ કરવા માટે સમય
માંગ્યો હતો.
અપીલકર્તાઓના વકીલે કોર્ટને જાણ
કરી હતી કે લગભગ અઢી મહિના વીતી ગયા હોવા છતાં ડીયુએ વિલંબ સામે વાંધો નોંધાવ્યો નથી.
તેમણે કહ્યું કે વિલંબ ફક્ત 15થી 45 દિવસનો છે જેને કોર્ટ સરળતાથી માફ કરી શકે છે.
વકીલે માંગણી કરી હતી કે જો દિલ્હી યુનિવર્સિટી મુખ્ય અપીલનો જવાબ આપવા માગતી હોય તો
કોર્ટે ઔપચારિક નોટિસ જારી કરવી જોઈએ. અપીલકર્તાઓમાં આરટીઆઈ કાર્યકર્તા નીરજ, આમ આદમી
પાર્ટીના નેતા સંજય સિંહ અને વકીલ મોહમ્મદ ઇર્શાદનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, આ અપીલ દિલ્હી
હાઈકોટના એ ન્યાયાધીશના નિર્ણયના વિરોધમાં દાખલ કરાઈ હતી, જેમાં 25 ઓગસ્ટ, 2025ના કેન્દ્રીય
સૂચના આયોગના તે આદેશને રદ કર્યો હતો, જેમાં વડાપ્રધાન મોદીની સ્નાતક ડિગ્રીથી સંબંધિત
જાણકારી સાર્વજનિક કરવાનો નિર્દેશ અપાયો હતો.