• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

ઉનાળુ વાવણીનો આરંભ : પાણીની છત રહેતા વિસ્તાર જળવાશે ધીમી ગતિએ મગફળી, કઠોળનાં વાવેતરની શરૂઆત, માર્ચમાં વાવણી વધશે

રાજકોટ, તા.10(ફૂલછાબ ન્યૂઝ) : ખરીફ અને શિયાળુ મોસમમાં ગુજરાતમાં મબલક વાવેતર-ઉત્પાદન મેળવ્યા પછી ખેડૂતોએ ટૂંકાગાળાની ગણાતી ઉનાળુ મોસમ માટે પણ વાવણી શરૂ કરી દીધી છે. ઠંડી ધીરે ધીરે ગાયબ થઈ રહી છે, શિયાળુ પાક ખેતરમાંથી નીકળતા હોય છે એટલે ખેડૂતોએ વાવણીનો હળવે હળવે આરંભ કરી દીધો છે. ગરમી વધતા આખા માર્ચ દરમિયાન વાવેતર થશે.

ઉનાળુ મોસમમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મગફળી, તલ, બાજરી મુખ્ય પાક તરીકે લેવાય છે. કઠોળમાં મગ અને અડદ પણ સારા પાકે છે એટલે ખેડૂતો થોડાં અંશે વાવેતર કરે છે.

વાવેતર માટે પ્રથમ સપ્તાહના આંકડાઓ આવ્યા છે જેમાં 4,388 હેક્ટરમાં વાવણી કરી દેવામાં આવી છે. ગયા વર્ષમાં આ સમયે 21,782 હેક્ટરમાં વાવેતર થયું હતું. દિવાળી પછી સતત માવઠાં અને પ્રતિકૂળ મોસમને કારણે શિયાળુ વાવેતર મોડા થતા હવે ઉનાળુ પર તેની અસર વર્તાય છે. ગુજરાતમાં સરેરાશ 11-12 લાખ હેક્ટર સુધી વાવેતર થતું હોય છે.

તેલીબિયાંમાં મગફળીનું વાવેતર 47 હેક્ટર અને તલનું વાવેતર 260 હેક્ટરમાં થયું છે. ડાંગરનો વિસ્તાર 1,106 હેક્ટર થયું છે. 

મગ અને અડદનું વાવેતર અનુક્રમે 161 હેક્ટર અને 22 હેક્ટરમાં થયું છે. મુખ્ય પાક તરીકે હજુ બાજરીનું વાવેતર શરૂ થઈ શક્યું નથી.

શેરડીનું વાવેતર 624 હેક્ટરમાં થયું છે. જ્યારે 1091 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે.  દિવાળી પછી પણ વરસાદ ચાલુ રહ્યો હતો. પરિણામે જમીનમાં ભેજનું પ્રમાણ સારું હતું. પાણીનું સ્તર પણ મોટાભાગના વિસ્તારોમાં જળવાયેલું છે એટલે વાવેતર વિસ્તાર ચોક્કસપણે સામાન્ય જેટલો રહેશે તેમ માનવામાં આવે છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

પાકિસ્તાન ફરી ઘૂંટણિયે : ભારત સામેના મેચ બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચ્યો February 11, Wed, 2026