રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : મતદાર યાદી સુધારણા સહિતના વહીવટી કારણોસર 15 APMCની મુદતમાં 6 મહિનાનો વધારો કરાયો
અમદાવાદ,તા.10 : ગુજરાત સરકારના
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના
સુચારુ વહીવટ માટે બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે રાજ્યની
09 એપીએમસીમાં ચૂંટણી યોજવા માટેની સૂચનાઓ જારી કરવામાં આવી છે. જ્યારે, વહીવટી કારણોસર
અન્ય 15 એપીએમસીની મુદત લંબાવવામાં આવી છે.
કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ
જણાવ્યં હતું કે, કૃષિ વિભાગ દ્વારા રાજ્યમાં
જે બજાર સમિતિઓની મુદત પૂર્ણ થઈ છે, ત્યાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવાની નિયમોનુસારની
કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવા ’ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર’ નિયામકને જાણ
કરવામાં આવી છે. આ નિર્ણયથી સ્થાનિક સ્તરે ખેડૂત પ્રતિનિધિઓની પસંદગીનો માર્ગ વધુ મોકળો
થયો છે. આ નિર્ણયના પરિણામે રાજ્યની જે 09
બજાર સમિતિઓમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાનાર છે તેમાં ભાણવડ (દેવભૂમિ દ્વારકા), ધોલેરા
(અમદાવાદ), તલોદ (સાબરકાંઠા), સાગબારા (નર્મદા), કુકરમુંડા (તાપી), સુરેન્દ્રનગર, કામરેજ
(સુરત), રાણપુર (બોટાદ) અને બરવાળા (બોટાદ)નો સમાવેશ થાય છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું
કે, રાજ્યમાં હાલ ચાલી રહેલી મતદારયાદી સુધારણાની કામગીરીમાં રાજ્ય ચૂંટણી પંચના આદેશથી
જિલ્લા રજિસ્ટ્રાર અને કચેરીનો સ્ટાફ વ્યસ્ત છે. આથી જે બજાર સમિતિઓની મુદત પૂર્ણ થઈ
છે અથવા પૂર્ણ થવામાં છે, તેવી સમિતિઓમાં ચૂંટણીનું તાત્કાલિક આયોજન કરવું શક્ય ન હોવાથી
15 એપીએમસીને 06 મહિનાનો મુદત વધારો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ખેડા જિલ્લાની
ઠાસરા અને ગળતેશ્વર, બનાસકાંઠાની દિયોદર, ભાભર અને ધાનેરા, જૂનાગઢ, અમદાવાદની ધોળકા
અને બાવળા, મહેસાણાની બેચરાજી, પંચમહાલની શહેરા, છોટાઉદેપુરની નસવાડી અને છોટાઉદેપુર,
સાબરકાંઠાની પ્રાંતિજ, બોટાદની ગઢડા તથા અમરેલીની ખાંભા બજાર સમિતિનો સમાવેશ થાય છે.
આ બજાર સમિતિને જાહેરનામાની તારીખથી 06 મહિનાનો મુદત વધારો આપવામાં આવ્યો છે.