વસવાટ માટે વાતાવરણ માફક આવ્યું : વન્ય પ્રાણીઓનાં રક્ષણ અને જાળવણી માટે વાઇલ્ડ લાઇફ કચેરી સ્થાપવી જરૂરી
વડિયા, તા.10 : ગીર બાદ અમરેલી
જિલ્લામાં પણ સિંહોનો વસવાટ હાલમાં વધી રહ્યો છે. અમરેલી જિલ્લાના છેવાડાના ગ્રામીણ
વિસ્તાર એવા વડિયામાં પણ છેલ્લા ઘણા સમયથી સિંહ પરિવારનો વસવાટ કાયમી બનતો જોવા મળી
રહ્યો છે ત્યારે વડિયામાં વાઇલ્ડ લાઇફ કચેરી સ્થાપવી જોઈએ તેવી લોકો માગ કરી રહ્યા
છે.
આ વિસ્તારમાં દીપડા, હરણ, નીલગાય
સહિતના વન્ય પ્રાણીઓનો વસવાટ કરી રહ્યા છે. ચોમાસા બાદ સિંહો ખૂબ મોટી સંખ્યામાં વડિયા
વિસ્તારના અનેક ગામડાઓમાં જોવા મળે છે. સુરવો નદી અને ડેમ વિસ્તાર, સાંકરોળી ડેમ વિસ્તાર
હવે કાયમી સિંહોનો વસવાટ બની ચૂક્યો છે ત્યારે રોજ ડેમ અને નદી વિસ્તારમાં સિંહ પરિવાર
વિહરતો જોવા મળે છે. આ વિસ્તારમાં માલધારીઓનો પણ મોટી સંખ્યમાં વસવાટ છે ત્યારે અહીં
ખૂબ મોટાં પ્રમાણમાં પાલતુ પશુઓ હોવાથી, પાણી અને રહેવા માટે વાતાવરણ અનુકૂળ આવતા હવે
આ સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓના રક્ષણ અને જાણવણી માટે વડિયામાં વન વિભાગની વાઇલ્ડ
લાઇફની કચેરી સ્થાપવી અનિવાર્ય બની ચૂકી છે.
હાલ વડિયા લીલિયા વાઇલ્ડ લાઇફ
કચેરી નીચે આવે છે ત્યારે લીલિયા અહીંથી અંદાજે 80 કિ.મી. દૂર થાય છે. સ્થાનિક લેવલે
તમામ જાળવણી કરી શકાય અને વન્ય પ્રાણીઓનું રક્ષણ અને જાળવણી કરી શકાય તેવા હેતુથી વડિયા
ખાતે વાઇલ્ડ લાઇફ કચેરી સ્થાપવી અનિવાર્ય બનતી જોવા મળી રહી છે.