• રવિવાર, 21 જુલાઈ, 2024

અંકલેશ્વરની દહેજ અને સાયખા જીઆઇડીસીમાં  15 અબજ 70 કરોડનો ભ્રષ્ટાચાર : શક્તાસિંહ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનો ગંભીર આક્ષેપ : ભાજપના મળતીયાઓએ બે તબક્કામાં 25 લાખ ચો.મીટર જમીન પાણીનાં ભાવે વેચી નાખી 

સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ મારફત ન્યાયિક તપાસ અને ઈડી, સીબીઆઈ, ઈન્કમટેક્સને મોકલીને કાર્યવાહી કરવા માગણી

અમદાવાદ, તા.16 : લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં એક બેઠક પર જીત મેળવનાર કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઇ છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તાસિંહ ગોહિલે પત્રકાર પરિષદ યોજીને અંકલેશ્વરની દહેજ અને સાયખા જીઆઇડીસીએ ભાજપના મળતીયાઓ સાથે મળીને સૌથી મોટા 15 અબજ 70 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ગુજરાત સરકારના બે પરિપત્રો દર્શાવી તેમણે કહ્યું કે, ગુજરાતમાં જીઆઈડીસીના નિયમ પ્રમાણે  ઉદ્યોગકારોને નક્કી કરેલા બેઠા ભાવે જમીન આપવામાં આવતી હતી. જ્યારે 90 ટકા પ્લોટનું વિતરણ થાય ત્યારે જીઆઇડીસીને સંતૃપ્ત એટલે કે સેચ્યુરેટેડ ઝોન જાહેર કરવામાં આવે છે. બાકીના 10 ટકા પ્લોટ જંત્રીના 20 ટકા ઉમેરી જાહેર હરાજીથી વેચી શકાય છે. આવા પરિપત્ર કરી દહેજ અને સાયખા જીઆઇડીસીમાં 2845 રૂપિયા  પ્રતિ વારે 2000 વારથી 10000 વારના પ્લોટ માટે અરજીઓ મંગાવી, અનેક માત્રામાં અરજીઓ આવતાં સરકારે 27 જુલાઈ, 2024નાં પરિપત્ર કરીને સાયખા અને દહેજ જીઆઈડીસીને સેચ્યુરેટેડ જાહેર કરી છે. જેનાથી જુની અરજી કરનારા ઉદ્યોગપતિઓને વધારે રૂપિયા આપી પ્લોટ ખરીદવાનો ડર લાગ્યો. આ સમયનો ભાજપના મળતીયાઓ અને અધિકારીઓએ લાભ લઇ જરૂરિયાતમંદ ઉદ્યોગકારો સાથે વાટાઘાટો અને વહિવટ કરીને ભ્રષ્ચાચાર કર્યો છે.

વધુ આક્ષેપો કરતા શક્તાસિંહ ગોહિલે કહ્યું કે, પ્રથમ તબક્કામાં 5 લાખ 25 હજાર ચોરસ મીટર જમીન આપવાની થાય, જેનાથી સરકારની તીજોરીને 3 અબજ 50 કરોડ અને બીજા તબક્કામાં 20 લાખ ચોરસ મીટર જમીનથી સરકારને 12 અબજ 20 કરોડનું નુકસાન થયું છે. આ કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ મારફત ન્યાયિક તપાસ કરાવવાની માંગ કરી છે. આ ઉપરાંત ઈડી, સીબીઆઈ અને ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓને જીઆઈડીસી ઓફીસ ખાતે મોકલી જવાબદારો સામે મની લોન્ડરીંગનો કેસ દાખલ કરવામાં આવે તેવી પણ માંગણી કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક