• રવિવાર, 08 માર્ચ, 2026

ઈસ્લામિક નાટોની તૈયારી?

અચાનક સાઉદી પહોંચ્યા પાકિસ્તાનનાં સેના વડા આસીમ મુનીર : ઈરાન ઉપર હુમલો કરવા પાક. અને તુર્કી ઉત્સુક?

નવી દિલ્હી, તા.7: ઈસ્લામિક દેશો હવે નાટોની તર્જ ઉપર સૈન્ય ધરી રચવાની તૈયારીમાં હોય તેવા સંકેતો મળી રહ્યાં છે. મધ્ય પૂર્વમાં જ્વલનશીલ અને પ્રવાહી પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાનના સેના પ્રમુખ ફીલ્ડ માર્શલ આસિમ મુનીરે સાઉદી અરબના રક્ષા મંત્રી ખાલિદ બિન સલમાન સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે તાજેતરમાં સાઉદી અરબની અરામકો ઓઈલ રિફાઇનરી પર હુમલો થયો હતો. આ ઉપરાંત અમેરિકા-ઇઝરાયેલના સંયુક્ત હુમલાઓમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીના મોત બાદ તેહરાને સમગ્ર મધ્ય પૂર્વ વિસ્તારમાં ઈસ્લામિક દેશોને નિશાન બનાવીને સજ્જડ સૈન્ય કાર્યવાહી કરીને અમેરિકી હિતોને નિશાન બનાવ્યા છે. જેના કારણે મોટા પ્રાદેશિક યુદ્ધની આશંકા ઉભી થઈ છે.

સાઉદી રક્ષા મંત્રીએ એક્સ ઉપર ટ્વિટમાં આસિમ મુનીર સાથેની તસવીર શેર કરીને આ બેઠકની માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, પાકિસ્તાનના સેના પ્રમુખ અને રક્ષા દળોના વડા ફીલ્ડ માર્શલ આસિમ મુનીર સાથે મુલાકાત થઈ. અમે કિંગડમ પર થયેલા ઈરાની હુમલાઓ અને અમારા સંયુક્ત વ્યૂહાત્મક રક્ષા કરારનાં માળખામાં આવા હુમલા રોકવા માટે જરૂરી પગલાં અંગે ચર્ચા કરી હતી. ચર્ચામાં એ વાત ઉપર  ભાર મૂકાયો હતો કે આવી કાર્યવાહી પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતાને નબળી બનાવે છે અને આશા વ્યક્ત કરી કે ઈરાન સમજદારી બતાવશે અને કોઈ ખોટું પગલું નહીં ભરે.

આ બેઠકને વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. થોડા મહિના પહેલાં તુર્કીએ પરમાણુ શક્તિ ધરાવતા પાકિસ્તાન અને સાઉદી અરબ સાથે મળીને ત્રિપક્ષીય ઈસ્લામિક નાટો જેવું રક્ષા ગઠબંધન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેનો ઉદ્દેશ અશાંત મધ્ય પૂર્વ અને તેની બહાર સુરક્ષાના સમીકરણોને ફરીથી આકાર આપવાનો છે.

જ્યારે તાજેતરમાં સાઉદી અરબની અરામકો રિફાઇનરી પર ઈરાન તરફથી હુમલો થયો હતો, ત્યારે પાકિસ્તાને કડક પ્રતિક્રિયા આપી અને રિયાધ તથા અન્ય ખાડી દેશો સાથે સંપૂર્ણ એકતા વ્યક્ત કરી હતી. ઈરાનના સતત મિસાઇલ અને ડ્રોન હુમલાઓ વચ્ચે હવે પ્રશ્ન ઊભો થયો છે કે શું ઇસ્લામાબાદની પ્રતિક્રિયા માત્ર શાબ્દિક નિંદા સુધી જ સીમિત રહેશે? આ પ્રશ્ન મહત્ત્વનો છે કારણ કે સપ્ટેમ્બરમાં પાકિસ્તાન અને સાઉદી અરબે 2025 વ્યૂહાત્મક પરસ્પર રક્ષા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં એક દેશ પર હુમલો એટલે બન્ને દેશો પર હુમલો માનવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી.

 આ કરારમાં નાટોની કલમ-5 જેવી જ જોગવાઈ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ એક સભ્ય દેશ સામેની આક્રમકતા બધા દેશો સામેનો હુમલો માનવામાં આવશે. આ રક્ષા વ્યવસ્થામાં તુર્કીને સામેલ કરવા અંગેની ચર્ચા અંતિમ તબક્કામાં છે. આ સંભવિત વિસ્તરણ દક્ષિણ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકામાં તુર્કી, સાઉદી અરબ અને પાકિસ્તાનના વધતા સંયુક્ત વ્યૂહાત્મક હિતોને દર્શાવે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક