પ.બંગાળમાં સંથાલ પરિષદ માટે નાની જગ્યા ફાળવાતાં કર્યો કટાક્ષ
સિલીગુડી,
તા.7 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ નવમી અંતરરાષ્ટ્રીય સંથાલ પરિષદમાં ભાગ લેવા પશ્ચિમ
બંગાળ પહોંચ્યાં હતાં જ્યાં તેમણે પરિષદના સ્થળ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને આ
મુદ્દા પર રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી પર કટાક્ષ કર્યો હતો. આ પરિષદ સિલીગુડીના
ફાંસીદેવા ક્ષેત્રમાં યોજવામાં આવી છે.
રાષ્ટ્રપતિએ
કહ્યું કે પરિષદ માટે જે સ્થળ પસંદ કરવામાં આવ્યું તે ઘણું નાનું હતું જેના કારણે મોટી
સંખ્યામાં સંથાલ સમુદાયના લોકો કાર્યક્રમમાં ભાગ લઈ શક્યા ન હતા. તેમણે કહ્યું કે આ
જગ્યા પર પાંચ હજાર લોકો માટે પણ પૂરતી જગ્યા ન હતી.
સંથાલ
પરિષદ બાદ રાષ્ટ્રપતિ એક અન્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિધાનનગર મેદાન ગયાં હતાં
જ્યાં મેદાનનો આકાર જોઈ તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે અહીં તો લાખો લોકોના
આવવાની ક્ષમતા છે. જો સંથાલ કોન્ફરન્સનું આયોજન મોટા મેદાન પર કરાયું હોત તો પાંચેક
લાખ લોકો તેમાં સામેલ થઈ શક્યા હોત. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો આટલું મોટું મેદાન
ઉપલબ્ધ હતું તો કોન્ફરન્સ માટે નાની જગ્યા શા માટે ફાળવવામાં આવી હતી.
રાષ્ટ્રપતિએ
સીએમ મમતા બેનરજીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે મમતા તેમના માટે નાના બહેન જેવાં છે. મને
નથી લાગતું કે મમતા મારી સાથે નારાજ હોય. આમ છતાં સમજાતું નથી તેમણે અંતરરાષ્ટ્રીય
કોન્ફરન્સ માટે સાવ નાની જગ્યા શા માટે ફાળવી
હતી.