સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડશે : અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઈનલ પર ગરમીનું સંકટ
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, રાજકોટ, તા.6 : ગુજરાતમાં માર્ચ મહિનાની
શરૂઆત સાથે જ ઉનાળાએ આક્રમક તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના વિવિધ ભાગોમાં
સૂર્યનારાયણ પ્રકોપ વરસાવી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યના
અનેક શહેરોમાં હીટવેવની ગંભીર ચેતવણી જાહેર કરી છે.
માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં
જ રાજ્યભરમાં તાપમાનનો પારો ઊંચકાયો છે. ઉત્તર-પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાવાને કારણે
વાતાવરણમાં શુષ્કતા વધી છે અને બપોરના સમયે રસ્તાઓ પર સ્વયંભૂ કફર્યૂ જેવો માહોલ જોવા
મળી રહ્યો છે.
હવામાન નિષ્ણાતોના મતે, સૌરાષ્ટ્ર-કચ્છ
અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડશે. રાજ્યના મહતમ તાપમાનમાં હજુ પણ
2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને રવિવારથી દરિયાકાંઠાના વિસ્તારો,
જેવા કે, પોરબંદર, દીવ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હીટવેવની
પ્રબળ શક્યતા છે. આ વિસ્તારોમાં 15 થી 20 નોટ્સની ગતિએ પવનો ફૂંકાશે, જે ગરમીના અનુભવને
વધુ આકરો બનાવશે. આ વિસ્તારોમાં ‘યેલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
ક્રિકેટ પ્રેમીઓ માટે ચિંતાજનક
સમાચાર એ છે કે 8મી માર્ચે જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ
મેચ રમાવાની છે, ત્યારે અમદાવાદમાં આકરી ગરમી પડવાની સંભાવના છે. 8 માર્ચના રોજ શહેરનું
તાપમાન 37 ડિગ્રીને પાર કરી શકે છે. સ્ટેડિયમમાં ઉમટનારા લાખો ચાહકોએ ગરમી અને હીટસ્ટ્રોકથી
બચવા માટે પૂરતી સાવચેતી રાખવી પડશે. મેચના દિવસે બપોરના સમયે તાપમાનમાં એકાએક 4.5
ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે, જે ખેલાડીઓ અને પ્રેક્ષકો બન્ને માટે પડકારજનક સાબિત
થશે.