ટીમ ઇન્ડિયા સામે કીવીનો પડકાર : અમદાવાદનાં સ્ટેડિયમમાં જોવા મળશે રોમાંચક જંગ
અમદાવાદ,
તા. 7 : રવિવારે આઠમી માર્ચે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારા આઇસીસી
મેન્સ ટી20 વિશ્વકપ 2026નાં ફાઇનલમાં ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે ટક્કર થવાની છે. આ
મુકાબલામાં ઈતિહાસ બનવો નિશ્ચિત છે. જો ભારત મેચ જીતશે તો તે ટી20 વિશ્વકપ ઈતિહાસમાં
ત્રીજો ખિતાબ જીતનારી અને સતત બે વખત ટ્રોફી ઉપાડનારી પહેલી ટીમ બની જશે જ્યારે ન્યુઝિલેન્ડ
જીતશે તો તે ટી20 વિશ્વકપ જીતનારી સાતમી ટીમ બનશે.
ભારત
અને ન્યુઝિલેન્ડ ક્રિકેટ ઈતિહાસની એવી પહેલી
ટીમ્સ બનશે જે આઈસીસી ટૂર્નામેન્ટના ત્રણેય ફોર્મેટના ફાઇનલનમાં એકબીજા સામે ટકરાઈ
છે. ભારતે વિશ્વકપના ગ્રુપ સ્ટેજમાં ચારેય મુકાબલા જીત્યા હતા. જો કે સુપર-8માં દક્ષિણ
આફ્રિકા સામે હારનો સામનો કરવો પડયો હતો. ત્યારબાદ ભારતીય ટીમે ઝિમ્બાબ્વે અને વેસ્ટ
ઇન્ડિઝને હરાવીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી હતી. સેમીફાઇનલમાં સૂર્યકુમાર યાદવની આગેવાનીની
ભારતીય ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોમાંચક મુકાબલામાં ઇંગ્લેન્ડને સાત રને હરાવીને
ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ન્યુઝિલેન્ડ
લીગ સ્ટેજ દરમિયાન ગ્રુપમાં દક્ષિણ આફ્રિકા બાદ બીજાં સ્થાને રહ્યું હતું. પછી સુપર-8માં
પાકિસ્તાન સામેનો મેચ વરસાદમાં ધોવાયો હતો. ઇંગ્લેન્ડ સામે પણ હાર મળી હતી. જો કે શ્રીલંકા
સામેની મોટી જીતે સેમીફાઇનલનો રસ્તો સરળ કર્યો હતો. સેમીફાઇનલમાં ન્યુઝિલેન્ડે દક્ષિણ
આફ્રિકાને સરળતાથી હરાવી દીધું હતું.
આમ
જોવામાં આવે તો ટી20 આંતરરાષ્ટ્રીય મુકાબલામાં ભારતનું પલડું ન્યુઝિલેન્ડ ઉપર ભારે
રહ્યું છે. ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે અત્યારસુધીમાં 30 ટી20 મુકાબલા રમાયા છે. જેમાં
ભારતે 18મા જીત મેળવી છે અને ન્યુઝિલેન્ડે 11 મેચ જીત્યા છે. એક મુકાબલો ટાઈ થયો છે.
ટી20
વિશ્વકપની તસવીર એકદમ અલગ છે. ટી20 વિશ્વકપમાં હજી સુધી ભારત ન્યુઝિલેન્ડને હરાવી શક્યું
નથી. ન્યુઝિલેન્ડે ટી20 વિશ્વકપમાં ત્રણ વખત ભારતને હરાવ્યું છે. આઈસીસી ટૂર્નામેન્ટસના
ફાઇનલમાં ભારત અને ન્યુઝિલેન્ડ ચોથી વખત ટકરાઈ રહ્યા છે. આ પહેલા ત્રણ મેચ રમાયા તેમાં
ભારતે એક અને ન્યુઝિલેન્ડે ચાર મેચમાં જીત મેળવી છે.
હવે
અમદાવાદમાં થનારા ફાઈનલ મુકાબલામાં ભારતીય ટીમ પાસે ઈતિહાસ બદલવાની તક રહેશે જ્યારે
ન્યુઝિલેન્ડની ટીમ ટી20 વિશ્વકપમાં પોતાની બઢત જાળવી રાખવા માટે મેદાનમાં ઉતરશે. આ
રીતે સુપર સન્ડેનો મુકાબલો ખૂબ જ રોમાંચક રહેવાનો છે.
મેદાનમાં
ઉતરતા જ
ભારત
બનાવશે રેકોર્ડ
નવી
દિલ્હી, તા. 7 : ભારત અને
ન્યુઝિલેન્ડ
વચ્ચે આવતીકાલે રવિવારે
અમદાવાદના
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વિશ્વકપનો ફાઇનલ મુકાબલો રમાવાનો છે. આ મેચમાં મેદાન
ઉપર ઉતરતા જ ટીમ ઇન્ડિયા બે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લેશે. ભારત માટે આ આઈસીસી
લિમિટેડ ઓવર ઇવેન્ટમાં સતત ચોથો ફાઈનલ મેચ બનશે. ટીમ ઇન્ડિયા વ્હાઇટ બોલ ક્રિકેટમાં
સતત ચાર ફાઇનલ રમનારો પહેલો દેશ બનશે. આ પહેલા ટીમે 2023 વિશ્વકપ, 2024 ટી20 વર્લ્ડ
કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ રમ્યો છે. આ અગાઉ ભારતીય ટીમ સતત ત્રણ વખત આઇસીસી
લિમિટેડ ઓવર્સ ઇવેન્ટના ફાઇનલ રમી ચૂકી છે. 2000થી 2003 વચ્ચે ટીમ ઇન્ડિયાએ બે ચેમ્પિયન્સ
ટ્રોફી સાથે 2003 વર્લ્ડ કપ ફાઇનલ રમ્યો હતો.
140
કરોડ દિલ તોડવામાં કોઈ વાંધો નથી : સેન્ટનર
નવી
દિલ્હી, તા. 7 : ભારત સાથેના ફાઇનલ મુકાબલા પહેલા ન્યુઝિલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે
મોટી નિવેદનબાજી કરી છે. મુકાબલા પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કરોડો ભારતીય ચાહકોની
આશા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં સેન્ટરને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું
કે, ટ્રોફી ઉપાડવા માટે અમુક દિલ તોડવા પડે તો તેમાં પણ કોઈ વાંધો રહેશે નહીં. સેન્ટરનું
નિવેદન સાફ કરે છે કે કીવની ટીમ માત્ર ફાઇનલ સુધી પહોંચીને સંતુષ્ટ નથી પણ વિશ્વ વિજેતા
બનીને જ ઘરે પરત ફરવા માગે છે. ગયાં 11 વર્ષમાં ન્યુઝિલેન્ડનો 11મો ફાઇનલ મેચ મેચ છે
પણ અત્યાર સુધીમાં વ્હાઇટ બોલમાં કોઈપણ ફાઇનલ જીતવામાં સફળ રહી નથી. સેન્ટનરે પેટ કમિન્સના
2023ના વિશ્વકપનાં ઐતિહાસિક પ્રદર્શનનો પણ સંદર્ભ આપ્યો હતો. જેમાં ભારતીય પ્રશંસકોથી
ભરેલાં સ્ટેડિયમને ચૂપ કરાવી દીધું હતું.