• રવિવાર, 08 માર્ચ, 2026

રાજ્યના 207 જળાશયમાં પાણીનો જથ્થો 72 ટકા, ગત વર્ષ કરતા 4.15 ટકા વધુ દક્ષિણ ગુજરાતના જળાશયોમાં સૌથી વધુ જથ્થો તો કચ્છ વિસ્તારમાં પાણીનો સંગ્રહ થોડો ઓછો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.7 : ગુજરાતમાં આ વર્ષે થયેલા 128 ટકા વરસાદને પગલે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની સ્થિતિ ગત વર્ષ કરતા સુધરી છે. 5 માર્ચની સ્થિતિએ રાજ્યના કુલ 207 ડેમમાં 72.49 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગત વર્ષના સમાન સમયગાળા કરતા 4.15 ટકા વધુ છે. ગત વર્ષે આ સમયે રાજ્યના જળાશયોમાં 68.34 ટકા પાણી હતું, જે આ વર્ષે વધીને 72.49 ટકા થયું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પાણીના સંગ્રહમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જ્યાં ગત વર્ષે અંદાજે 27,847 એમસીએફટી પાણી હતું, જે અત્યારે 41,842 એમસીએફટી સુધી પહોંચ્યું છે. સરદાર સરોવર ડેમમાં પણ ગત વર્ષના 72.42 ટકા સામે આ વર્ષે 1.63 ટકાના વધારા સાથે 74 ટકાથી વધુ જથ્થો ઉપલબ્ધ છે.

જળાશયોમાં સંગ્રહાયેલા આ જથ્થાને જોતા આગામી ઉનાળા દરમિયાન પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતા નહીવત્ત છે. દક્ષિણ ગુજરાતના જળાશયોમાં સૌથી વધુ જથ્થો હોવાથી ત્યાં સ્થિતિ વધુ મજબૂત છે, જ્યારે કચ્છ વિસ્તારમાં ગત વર્ષ (5,332 એમસીએફટી) કરતા આ વર્ષે (4,392 એમસીએફટી) પાણીનો સંગ્રહ થોડો ઓછો નોંધાયો છે. રાજ્યમાં કુલ 207 જળાશય આવેલા છે, જેમાં સૌથી વધુ 141 ડેમ સૌરાષ્ટ્રમાં છે, જ્યારે કચ્છમાં 20, મધ્ય ગુજરાતમાં 17, ઉત્તર ગુજરાતમાં 15 અને દક્ષિણ ગુજરાતમાં 13 જળાશયનો સમાવેશ થાય છે

ઇ-પેપરના નવા શુલ્ક