(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 5: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધના કારણે મિડલઇસ્ટમાં તણાવભરી પરિસ્થિતિ છે. આ સંજોગોમાં
એર સ્પેસ બંધ કરી દેવામાં આવતા દુબઈ સહિતના વિસ્તારોમાં ગુજરાતના અનેક મુસાફરો અટવાયા
હતા. ફસાયેલા આ પ્રવાસીઓએ ભારત સરકારને વતન પરત લાવવા માટે વિનંતી કરી હતી, જે બાદ
વિશેષ વ્યવસ્થા દ્વારા મુસાફરોને સુરક્ષિત રીતે ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં
આવી છે. જેમાં આજે વહેલી સવારે ખાસ ફ્લાઈટ દ્વારા 170 જેટલા પેસેન્જરો અમદાવાદ એરપોર્ટ
આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણએ પરિજનોની
ઘરવાપસી થતાં એરપોર્ટ પર ભાવુક દૃશ્યો સર્જાયા હતા. વહેલી સવારે 170 ભારતીય મુસાફરોને
લઈને એક ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર આવી હતી. વિમાનમાંથી બહાર આવેલા મુસાફરોએ પોતાનો
અનુભવ વિશે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા બે દિવસથી દુબઈમાં ફસાયેલા હતા અને ત્યાં
બોમ્બ તેમજ મિસાઈલ ધડાકાના અવાજો વચ્ચે ભારે ડરનો માહોલ હતો. જોકે, મુસાફરોએ ભારત સરકાર
અને તંત્રનો આભાર માનતા કહ્યું કે, મુશ્કેલીના સમયે તેમને ત્યાં ફ્રી સુવિધા અને સંપૂર્ણ
સહયોગ પ્રાપ્ત થયો હતો. પોતાના વતનની ધરતી પર પગ મૂકતા જ મુસાફરો અને તેમના પરિવારોના
જીવમાં જીવ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ 210 મુસાફર સાથે પણ એક ફ્લાઈટ
અમદાવાદ આવી પહોંચી હતી. આ ફ્લાઈટમાં આવેલા મુસાફરોએ સરકારનો આભાર માન્યો હતો. મુસાફરોએ
કહ્યું હતું કે, સરકારે સંપૂર્ણ સહયોગ આપ્યો છે. દુબઈમાં અમે બે દિવસ ફસાયેલા રહ્યા
હતાં. જ્યાં બોમ્બ અને મિસાઈલ ફૂટયા હતાં. ત્યાં રોકાયેલા દરેકને મફતમાં સુવિધા મળી
હોવાનું પણ મુસાફરોએ કહ્યું હતું.