(ફૂલછાબ ન્યુઝ)
કોડિનાર
, તા.7 : કોડિનાર તાલુકાનાં ઘાટવડ ગામ નજીક 11 કેવીનો જીવંત વીજ વાયર તૂટી પડતા બે
યુવાનનાં મૃત્યુ નીપજ્યાં છે. વહેલી સવારે બાઇક લઈને વાડીએ જતાં પિતા - પુત્ર અને એક
અન્ય યુવક પર પર વીજ વાયર પડતાં પિતાની નજર સામે જ પુત્ર અને અન્ય યુવકનું મૃત્યુ નીપજ્યું
હતું.
ઘાટવડ ગામના દાનાસિંગ ઝાલા તેના પુત્ર મહિપતાસિંહ
દાનાસિંગ અને અન્ય એક યુવાન રવિભાઈ ગાવિંદભાઈ ચુડાસમા સાથે બાઇક પર વાડી તરફ જઈ રહ્યા
હતા. તે વેળાએ જામવાળા રોડ પર સવારે 9:30 વાગ્યે અચાનક 11 કેવીનો જીવંત વીજ વાયર તૂટી
સીધો બાઇક પર જ આવી પડયો હતો. તેનાં કારણે વીજ આંચકો લાગતા બન્ને યુવાન ગંભીર રીતે
દાઝી ગયા જ્યારે દાનાસિંગભાઈ ઝાલા પણ ઇજાગ્રસ્ત બન્યા હતા.
બનાવ
બાદ જાણ થતાં સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક
સારવાર માટે કોડિનારની રાનાવાલા હોસ્પિટલમાં ખસેડયા હતા. જો કે ફરજ પરના તબીબે મહિપતાસિંહ
ઝાલા અને રવિભાઈ ચુડાસમાને મૃત જાહેર કર્યા હતા. પોલીસ અને પીજીવીસીએલના અધિકારીઓએ
ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
દરમિયાન
ગ્રામજનોએ બનાવ અંગે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અને મૃતકોના પરિવારને યોગ્ય
વળતર આપવાની માગ કરી છે. વીજ તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું
કહેવું છે કે પીજીવીસીએલ દ્વારા વીજ લાઇનોની જાળવણીમાં બેદરકારી રાખવામાં આવે છે. લાંબા
સમયથી ઢીલા પડેલા કે જોખમી વાયર અંગે રજૂઆતો છતાં યોગ્ય પગલાં ન લેવાયા હોવાના આક્ષેપો
થઈ રહ્યા છે.
ઝૂલતા
વાયરોને હાથ અડાડો તો પણ પડી જાય તે હદે જર્જરિત છે. આ અંગે મુસ્લિમ અગ્રણી અબ્દુલ
ચૌહાણે જણાવ્યું કે,વીજ વાયરો ઝુલતા હોવા છતાં
સુરક્ષા બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ઘણીવાર વાયરમાં ધડાકા થતાં હોય
છે. અધિકારીઓ બનાવ બાદ આશ્વાસન આપીને જતા રહે છે.