યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિનો રાહતકારી વીડિયો સંદેશ : પહેલો હુમલો ન થાય ત્યાં સુધી પાડોશી દેશોમાં વધુ કોઈ કાર્યવાહી નહીં
નવીદિલ્હી,
તા.7 : અમેરિકા - ઈઝરાયલ અને ઈરાનનાં યુદ્ધમાં આજે એક મોટી રાહતના સમાચાર આવ્યા છે.
ઈરાને અમેરિકાનાં સૈન્ય હિતો ઉપર અખાતના પાડોશી દેશોમાં હવે વધુ હુમલા નહીં કરવાની
ઘોષણા કરી દીધી છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કીયને પાડોશી દેશોની માફી માગતાં
કહ્યું હતું કે, હવે ઈરાન તે દેશો ઉપર હુમલા નહીં કરે.
ઈરાનની
સરકારી ટીવી ચેનલ ઉપર પ્રસારિત એક વીડિયો સંદેશમાં પેઝેશ્કીયને કહ્યું હતું કે, મને
લાગે છે કે જેના ઉપર હુમલો થયો છે તે પાડોશી દેશોની માફી માગવી જરૂરી છે. અમારો પાડોશી
દેશો ઉપર હુમલો કરવાનો કોઈ ઈરાદો નથી. અમે શાંતિ અને સુકૂન કાયમ કરવા માટે પ્રદેશમાં
સહયોગની અપીલ કરીએ છીએ.
પેઝેશ્કીયને
વીડિયો સંદેશમાં આગળ કહ્યું હતું કે, સૈન્ય દળોને આદેશ આપવામાં આવ્યો છે કે, હવેથી
પાડોશી દેશો ઉપર ત્યાં સુધી હુમલો ન કરવામાં આવે જ્યાં સુધી તેમના તરફથી પહેલા કોઈ
હુમલો ન થાય. જે લોકો આ તકનો ફાયદો ઉઠાવીને ઈરાન ઉપર હુમલો કરવાનું વિચારી રહ્યા છે
તેમને સામ્રાજ્યવાદની કઠપૂતળી બનવું ન જોઈએ. ઈઝરાયલ કે અમેરિકાનું સમર્થન કરવું પ્રતિષ્ઠા
કે આઝાદીનો માર્ગ નથી.
ઉલ્લેખનીય
છે કે, આ પહેલા સાઉદી અરબના રક્ષા મંત્રી પ્રિન્સ ખાલિદ બિન સલમાને દેશનાં સૈન્ય ઠેકાણાઓ
અને ઓઇલ મથકો ઉપર થયેલા શ્રેણીબદ્ધ મિસાઇલ અને ડ્રોન હુમલા બાદ ઈરાનને પોતાની ભૂલ અને
ગેરસમજનું ખોટું આંકલન કરવા સબબ કડક ચેતવણી આપી હતી. સાઉદી રક્ષા મંત્રાલયે એક નિવેદન
જારી કરીને કહ્યું હતું કે, અમેરિકી સૈન્યકર્મીઓની હાજરીવાળા એક હવાઈ મથક અને એક પ્રમુખ
ઓઇલ ક્ષેત્રને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવી દેવામાં
આવ્યા છે.
પાડોશી
દેશો ઉપર હુમલા રોકવા ઈરાનના નિર્ણયનો શ્રેય પણ ટ્રમ્પે લીધો
નવીદિલ્હી,
તા.7 : પાડોશી અરબ દેશો ઉપર હુમલા રોકવાના ઈરાનના નિર્ણય ઉપર પ્રતિક્રિયા આપતાં અમેરિકાના
બોલકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આના માટે પણ યશ ખાટવાનો પ્રયાસ કરી લીધો છે. તેમણે
કહ્યું હતું કે, અમેરિકાના હિસાબે જ અરબ દેશો ઉપર ઈરાને હુમલા કરવાનું અટકાવ્યું છે.
ટ્રમ્પે આટલેથી નહીં અટકતાં અગાઉનાં યુદ્ધ રોકવાના દાવાઓની માફક જ પોતાની પીઠ થાબડતા
કહ્યું હતું કે, અગાઉ ઈરાનનું વલણ આરબ દેશોને ધમકાવવાનું રહેતું પણ હવે ઈરાન એટલું
કમજોર થઈ ગયું છે કે, તે પોતાનાં હુમલાની માફી માગે છે. આવું કરીને ઈરાને સરેન્ડર કરી
દીધું છે. આ ફક્ત અમેરિકા અને ઈઝરાયલે તેહરાનમાં કરેલા એકધારા હુમલાનાં કારણે સંભવ
બન્યું છે. ઈરાન કાયમ મધ્યપૂર્વમાં કબજો કરીને રાજ કરવા માગતું હતું. હજારો વર્ષોમાં
પહેલીવાર ઈરાન હવે મધ્યપૂર્વના દેશો સામે હારી ગયું છે. આના માટે આરબ દેશોએ પોતાનો
આભાર પણ માન્યો હોવાનું ટ્રમ્પે કહ્યું હતું.