• સોમવાર, 20 માર્ચ, 2023

Breaking News

અમદાવાદમાં જાહેરમાં પતિએ પત્નીને તલાક આપ્યા

પત્નીની તબિયત લથડતા સારવારમા: અગાઉ ફરિયાદ કરી હોય કોર્ટ કેસ ચાલતો હોય પતિ કંટાળી ગયો’તો

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા.18: અમદાવાદના દાણીલીમડામાં ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. પતિએ જાહેર રોડ પર પત્નીને ત્રિપલ તલાક આપતા પત્નીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2018માં જુહાપુરાના યુવક સાથે લગ્ન થયા હતા. જો કે, લગ્નના થોડા સમય બાદ યુવતીને સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કરી દેતા તે દાણીલીમડામાં પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી. જે બાદ યુવતીએ આ મામલે વર્ષ 2022માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જેથી આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. ગઈકાલે યુવતી તેના પિતા અને ભાઈ સાથે બહાર નાસ્તો કરવા માટે ગઈ હતી. તેઓ નાસ્તાની લારી પર ઉભા ઉભા નાસ્તો કરી રહ્યા હતા ત્યારે યુવતીનો પતિ ત્યાંથી નીકળ્યો હતો. તેથી યુવતીના પિતાએ જમાઈને રોક્યો હતો અને દીકરીના ઘર સંસાર અંગે વાત કરી હતી. જેથી યુવતીનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે તેની પત્નીને કહ્યું હતું કે, ‘તું મને છેલ્લાં એક વર્ષથી કોર્ટના ધક્કા ખવડાવે છે, હવે હું કંટાળી ગયો છું. મારા લગ્નની બીજે વાત ચાલી રહી છે. હું તારી સાથે હવે કોઈ સંબંધ રાખવા માગતો નથી. હું તને તલાક આપું છું.

યુવકે પત્નીને રોડ પર જ ત્રણવાર તલાક કહી દેતા યુવતીને આઘાત લાગ્યો હતો. યુવતીનું બ્લડ પ્રેશર વધી જતાં તેને ચક્કર આવતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ મામલે યુવતીએ ફરિયાદ આપતા હવે દાણી લીમડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.