• સોમવાર, 09 માર્ચ, 2026

રાજ્યમાં 14મીથી હવામાનમાં પલટો આવવાની સંભાવના

કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતવારણ રહેવાથી ગરમીમાં આંશિક રાહત મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી )

અમદાવાદ, તા.8 : ગુજરાતમાં ફાગણ માસના પ્રારંભથી ધોમધખતો તાપ લોકોને અકળાવી રહ્યો છે. અનેક ભાગોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે હીટવેવની આગાહી પણ કરી છે ત્યારે હવામાન નિષ્ણાતોના મતે ગુજરાતમાં આગામી એકાદ-બે સપ્તાહમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાથી વાતાવરણમાં પલટો આવી શકે છે. જેને પગલે કેટલાક ભાગોમાં વાદળો છવાયેલા રહેવાથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન નિષ્ણાતોના મતે આગામી 14થી 18 માર્ચ દરમિયાન પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની વકી છે. જેને પગલે આ વિસ્તારોમાં લોકોને ગરમીમાં થોડી રાહત મળી શકે છે. વધુમાં 16 માર્ચથી એપ્રિલ માસના પ્રારંભ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પણ પડવાની ભીતિ છે. અચનાક વાતાવરણમાં પલટાને લીધે ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ છે. માર્ચના મધ્યભાગથી એપ્રિલની શરૂઆત સુધી રાજ્યમાં કમોકસમી વરસાદની આગાહી પણ નિષ્ણાતો કરી રહ્યા છે. પશ્ચિમી વિક્ષેપની અસર મુખ્યત્વે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પૂર્વ તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક