• સોમવાર, 09 માર્ચ, 2026

મહિલા દિવસ પર વિરોધ પ્રદર્શન કરનાર આશા વર્કર બહેનોની અટકાયત

લઘુતમ વેતન, કાયમી દરજ્જા સહિતની પડતર માગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરાયું

(અમારા પ્રતિનિધિ તરફથી:) અમદાવાદ, તા.8 : વિશ્વભરમાં 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે ગાંધીનગરમાં મહિલા દિવસ પર પોતાના હક માટે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોને પોતાની માગણીઓને લઈને આંદોલન કર્યું હતું.

જોકે કાળીપટ્ટી બાંધીને મંજૂરી વગર વિરોધ કરવા એકત્ર થયેલી આશા વર્કર બહેનોને પોલીસ દ્વારા બળપ્રયોગ કરીને વિખેરવામાં આવી હતી. કેટલીક આશા વર્કર બહેનોની અટકાયત પણ કરવામાં આવી હતી. પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણને પગલે માહોલ ઉગ્ર બની ગયો હતો.

રવિવારે વિશ્વ મહિલા દિવસ પર ઉનાળાના ધોમધખતા તાપમાં આશા વર્કર તથા આશા ફેસિલિટેટર બહેનો દ્વારા ગાંધીનગરમાં દેખાવો યોજવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં મધ્યાહ્ન ભોજનના કર્મચારીઓ પણ પોતાના સંતાનો સાથે જોડાયા હતા. તમામ પ્રદર્શનકર્તાઓએ બંધારણીય હક જેમ કે લઘુતમ વેતન, કાયમી દરજ્જા સહિતની પડતર માગણીઓને લઈને દેખાવો કર્યા હતા અને બાદમાં રેલી કાઢવાનો પ્રયાસ કર્યો હતો.જો કે રેલી માટે પોલીસની જરૂરી મંજૂરી ન લીધી હોવાથી મહિલા આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. રાજ્યભરમાંથી આવેલી આશા વર્કર બહેનો સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થઈ હતી. મહિલા શક્તિ સેનાના નેતા હેઠળ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મહિલા શક્તિ સેનાનાં આગેવાન ચંદ્રિકાબહેન સોલંકીએ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, વર્ષોથી આશા વર્કર બહેનો પીડાઈ રહી છે તેની જાણ સરકારને છે છતાં નાની-નાની માગણીઓ સામે આંખ આડા કાન કરવામાં આવે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક