• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

ભાવનગરમાં મહિલા સામે 300થી વધુ ગુના, ફ્રેશ ટ્રાયલ મુદ્દે હાઈકોર્ટના સવાલો

13 સાક્ષીની જુબાની બાદ ફરી ટ્રાયલની અરજી કેમ? એસપી નીતેશ પાંડેને કોર્ટમાં હાજર રહેવા આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.10: ભાવનગરમાં એક મહિલા આરોપી સામે 300થી વધુ ગુના નોંધાયેલા હોવાના મામલે ટ્રાયલ નવેસરથી શરૂ કરવાની પોલીસની અરજી સામે ગુજરાત હાઈકોર્ટે સવાલો ઉઠાવ્યા છે. કેસમાં 15માંથી 13 સાક્ષીઓની જુબાની પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ફ્રેશ ટ્રાયલની અરજી કરાતાં જસ્ટિસ નિખિલ કરિયલે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે ભાવનગરના જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેને વર્ચ્યુઅલી હાજર રહી સ્પષ્ટતા કરવા આદેશ આપ્યો હતો.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે ટ્રાયલ પૂર્ણ થવાના તબક્કે પહોંચ્યો છે ત્યારે તેને અટકાવી નવેસરથી શરૂ કરવાની અરજી શા માટે કરવામાં આવી છે? પોલીસની આ કાર્યવાહી પાછળ કોઈ અલગ ઇરાદો છે કે કેમ તે અંગે પણ કોર્ટે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ટ્રાયલમાં વિલંબ થવાથી આરોપીને જામીન મેળવવામાં મદદ મળી શકે તેવી શક્યતા અંગે પણ કોર્ટે ટિપ્પણી કરી હતી.

સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું. એસપી હાજર થતાં કોર્ટે તેમને કેસની કાર્યવાહી અંગે સવાલો કર્યા હતા. આ દરમિયાન એસપીએ ખાતરી આપી હતી કે તેઓ સમગ્ર કેસમાં અંગત રીતે ધ્યાન આપશે. હાઈકોર્ટે ટ્રાયલ છ મહિનામાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. ટ્રાયલના અંતિમ તબક્કે ફ્રેશ ટ્રાયલની અરજી કેમ કરવામાં આવી તે મુદ્દે હવે પોલીસની કાર્યવાહી પર નજર રહેશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક