• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ ‘ઓક્ટોબર હીટ’નો પ્રકોપ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.10 ઃ ગુજરાતમાં ચોમાસાની વિદાયની વેળા વચ્ચે હવે ગરમીએ પોતાનો મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. ભારતીય હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની આગાહી મુજબ, રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. વરસાદની કોઈ સક્રિય સિસ્ટમ ન હોવાથી તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. પરિણામે બપોરના સમયે લોકોને ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યાનુસાર, રાજ્યમાં હાલમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનોની અસરથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટÎું છે અને આકાશ સ્વચ્છ બની રહ્યું છે. સૂર્યપ્રકાશ સીધો જમીન પર પડતાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ રહેવાની સંભાવના છે. બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. બપોરના સમયે તડકો આકરો બનતાં જનજીવન પર તેની અસર જોવા મળી શકે છે.

ચોમાસા પછી ઓક્ટોબરમાં અનુભવાતી ગરમીને ‘ઓક્ટોબર હીટ’ કહેવામાં આવે છે. રાત્રે અને વહેલી સવારે હળવી ઠંડક, જ્યારે બપોરે આકરો તડકો અનુભવાઈ રહ્યો છે. આગામી સપ્તાહમાં વરસાદની શક્યતા ઓછી હોવાથી ખેડૂતોને લણણીનાં કામ પૂર્ણ કરવામાં અનુકૂળતા રહેશે. નાગરિકોને બપોરે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા, પૂરતું પાણી પીવા અને ગરમીથી બચવા સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક