ટીમના ફિલ્ડિંગ કોચ જેમ્સ ફોસ્ટરનું ભવિષ્ય પણ અધ્ધરતાલ
ચેન્નાઈ,
તા.10: ચેન્નાઈ સુપર કિંગ્સ આગામી આઈપીએલ સીઝન પૂર્વે પોતાના સપોર્ટ સ્ટાફ અને ટીમ
મેનેજમેન્ટમાં ધરમૂળથી પરિવર્તન લાવી રહી છે. રિસ્ટ્રક્ચારિંગ અભિયાન હેઠળ ફ્રેન્ચાઇઝીએ
પોતાના અનુભવી બાટિંગ કોચ અને ઓસ્ટ્રેલિયન દિગ્ગજ માઈક હસી સાથે છેડો ફાડી લીધો છે.
હેડ કોચ સ્ટીફન ફ્લામિંગને સ્થાને ઝહીર ખાન અને બાલિંગ કોચ એરિક સિમન્સની જગ્યાએ મોહિત
શર્માની નિમણૂક બાદ હસીની વિદાય એ વાતનો સ્પષ્ટ સંકેત આપે છે કે ફ્રેન્ચાઇઝી હવે આગામી
પેઢી અને નવા વિઝનને ધ્યાનમાં રાખીને સંપૂર્ણપણે નવા કાચિંગ સેટઅપ તરફ આગળ વધી રહી
છે.
’મિસ્ટર
ક્રિકેટ’ તરીકે જાણીતા માઈક હસીનો સીએસકે સાથેનો સંબંધ દોઢ દાયકા કરતાં પણ વધુ જૂનો
રહ્યો છે. એક ખેલાડી તરીકે છ સીઝન વિતાવ્યા બાદ તેઓ 2018થી સતત આઠ વર્ષ સુધી ટીમના
બાટિંગ કોચ તરીકે સેવા આપી રહ્યા હતા. હસી વર્ષ 2008માં પ્રથમ સીઝનથી જ સીએસકે સાથે
જોડાયા હતા અને 2014માં એક સીઝન મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમ્યા બાદ 2015માં પુન: ચેન્નાઈના
પીળા રંગમાં રંગાયા હતા.
હસીને
આ નિર્ણય અંગે ઔપચારિક જાણ કરી દેવામાં આવી છે, જોકે તેમણે આ બાબતે કોઈ પણ જાતની ટિપ્પણી
કરવાનો ઇનકાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હસી આઈપીએલની અન્ય કેટલીક ફ્રેન્ચાઇઝીઓના
સંપર્કમાં છે. આવી સ્થિતિમાં તેઓ આગામી સીઝનમાં અન્ય કોઈ ટીમના ડગઆઉટમાં નવી ભૂમિકામાં
જોવા મળે તો નવાઈ નહીં. બીજી તરફ, ટીમના ફિલ્ડિંગ કોચ જેમ્સ ફોસ્ટરનું ભવિષ્ય પણ હાલ
પૂરતું અનિશ્ચિત જણાઈ રહ્યું છે. તેના કાર્યકાળને લંબાવવા પર ફ્રેન્ચાઇઝીએ હાલ પૂરતો
રોક લગાવી દીધી છે અને તેમને આ સ્થિતિથી વાકેફ કરી દેવાયા છે.