નવી દિલ્હી, તા.10: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ટી-20 શ્રેણીમાં અત્યાર સુધી બેટર્સનું એકહથ્થુ સામ્રાજ્ય જોવા મળ્યું છે. હવે રવિવારે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાનારી ત્રીજી ટી-20 મેચમાં પણ આ જ સિલસિલો જળવાઈ રહેવાની પૂરી સંભાવના છે. જેના કારણે બોલર્સની અગ્નિપરીક્ષા થશે.
ઇન્દોરનું
મેદાન તેની નાની બાઉન્ડ્રી અને સપાટ ટ્રેક માટે વિશ્વભરમાં જાણીતું હોવાથી અહીં પણ
બોલર્સ પર ભારે દબાણ રહેશે. ફરી એકવાર ચોગ્ગા-છગ્ગાની આતશબાજી જોવા મળે તો નવાઈ નહીં.
બંને ટીમોની વિસ્ફોટક બાટિંગ લાઇન-અપ વચ્ચેનો આ મુકાબલો ફક્ત રન બનાવવાથી નહીં, પરંતુ
ફિલ્ડિંગના ઉચ્ચ સ્તર અને કેચ પકડવાની ચોકસાઈથી નક્કી થશે.
ગત
મુકાબલામાં ભારતીય ટીમને ફિલ્ડિંગની ક્ષતિઓ ભારે પડી હતી. જેમાંથી બોધપાઠ લેવો ટીમ
ઇન્ડિયા માટે અનિવાર્ય છે. રાંચીમાં મયંક યાદવે શોર્ટ ફાઇન લેગ પર શેરફેન રધરફોર્ડનો
અત્યંત સરળ કેચ તે સમયે છોડ્યો હતો જ્યારે તે માત્ર 38 રને રમી રહ્યો હતો. આ જીવતદાનનો
ફાયદો ઉઠાવીને રધરફોર્ડે 84 રનની તોફાની ઇનિંગ રમી હતી. બીજી તરફ, રાત્રિના સમયે મેદાન
પર પડનારું ઝાકળ બોલર્સ માટે ગ્રાપિંગ મુશ્કેલ બનાવશે, જેથી રક્ષણાત્મક બાલિંગ કરતાં
વિકેટ ઝડપવાની રણનીતિ જ કારગત નીવડશે.
ટીમ
ઇન્ડિયા માટે સૌથી મોટી ચિંતા પેસ આક્રમણની લય સાબિત થઈ રહી છે. મુખ્ય ઝડપી બોલર અર્શદીપ
સિંહે બે મેચમાં 79 રન આપીને માત્ર એક વિકેટ મેળવી છે, જેથી ડેથ ઓવર્સમાં તેનું કમબેક
ભારત માટે અત્યંત મહત્વનું રહેશે. યુવા સેન્સેશન મયંક યાદવે પાવરપ્લેમાં ત્રણ મહત્વપૂર્ણ
વિકેટ ઝડપીને પોતાની ઝડપનો પરચો આપ્યો હતો, પરંતુ અન્ય બોલર્સ સાથ ન આપી શકતાં મોટો
સ્કોર ડિફેન્ડ થઈ શક્યો નહોતો. સામા પક્ષે વેસ્ટ ઈન્ડિઝની ટીમ પોતાના બેટર્સના આત્મવિશ્વાસ
અને સ્પિનર રોસ્ટન ચેઝના શાનદાર પ્રદર્શનથી ઉત્સાહિત છે, જેણે 24 રનમાં 4 વિકેટ ઝડપી
હતી. જોકે, 4 ઓવરમાં 64 રન લૂંટાવનાર શમર પ્રિગરના સ્થાને વિન્ડિઝ મેનેજમેન્ટ અન્ય
કોઈ બાલિંગ વિકલ્પને તક આપવા અંગે ગંભીરતાથી વિચારણા કરી શકે છે.