અનેક ઈમારતો ધરાશાયી, લોકોમાં ભય સાથે ભાગદોડ
નવી
દિલ્હી, તા. 10 : મધ્ય અમેરિકન દેશ પનામામાં શુક્રવારે સવારે પ્રકૃતિનો ભયાનક સ્વરૂપ
જોવા મળ્યો હતો. દેશમાં એક પછી એક બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાતા સમગ્ર વિસ્તારમાં
હાહાકાર મચી ગયો હતો. પહેલાં 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ધરાને હચમચાવી દીધી
હતી અને તેની અસર ઓસરે તે પહેલાં જ 6.6ની તીવ્રતાનો બીજો મોટો આંચકો અનુભવાયો હતો.
આ ભયાનક કુદરતી આફતના કારણે કેન્દ્રાબિંદુની આસપાસની અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે.
અમેરિકન ભૂવિજ્ઞાનીઓના સર્વેક્ષણના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ શુક્રવારે વહેલી સવારે
ટ્રાન્સમિટ થયો હતો. આ ભયાનક ભૂકંપનું કેન્દ્ર પનામાના હેરેરા પ્રાંતમાં આવેલા પિતાલોસા
અરીબા નામની દૂરદરાજના વિસ્તારથી આશરે 10 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં અને જમીનથી માત્ર
10 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. શરૂઆતમાં યુએસજીએસ દ્વારા આ ભૂકંપના આંચકાની તીવ્રતા
8 સુધીની આંકવામાં આવી હતી, જેને બાદમાં સંશોધિત કરીને 7.7 નક્કી કરવામાં આવી હતી.
પ્રથમ
મુખ્ય ભૂકંપ બાદ પનામામાં ધરતી શાંત થવાનું નામ નહોતી લઈ રહી. યુનિવર્સિટીના ભૂકંપ
વૈજ્ઞાનિકો દ્વારા 5.8, 5.5 અને 5.2 ની તીવ્રતા સહિત કુલ 45થી વધુ આફ્ટરશોક્સ (ભૂકંપ
પછીના આંચકા) નોંધવામાં આવ્યા છે, જેના કારણે પ્રજામાં સતત ભયનો માહોલ છવાયેલો છે.
આ ભૂકંપની
તીવ્રતા એટલી ભયાનક હતી કે તેની ધ્રુજારી છેક પાટનગર પનામા સિટી સુધી અનુભવાઈ હતી.
અચાનક ધરતી ધ્રૂજવા લાગતાં લોકો જીવ બચાવવા માટે પોતાના ઘરો અને ઊંચી ઇમારતોમાંથી બહાર
દોડી આવ્યા હતા.