• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

મોરબીમાં 300થી વધુ મકાનો જમીનદોસ્ત, સમગ્ર વિસ્તાર કાટમાળના ઢગલામાં ફેરવાયો 16 ડમ્પર અને બે હિટાચી મશીનો કામે લાગ્યાં; ચારથી પાંચ દિવસમાં વિસ્તાર સાફ કરાશે

(ફૂલછાબ ન્યુઝ)

મોરબી, તા.9 : શહેરના પંચાસર રોડ પર આવેલા સાવરની પાળ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. મોડી રાત સુધી ચાલેલી મેગા ડિમોલિશન કામગીરીમાં 300થી વધુ કાચાં-પાકાં મકાનો તોડી પાડવામાં આવતાં સમગ્ર વિસ્તાર કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયો છે. ડિમોલીશન કર્યા બાદ હવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મોરબી મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા ગુરુવારે વહેલી સવારથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોટિસો આપવા છતાં દબાણો દૂર ન થતાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન શરૂ કરાયું હતું. મહાનગરપાલિકાના 140 કર્મચારી, 200થી વધુ પોલીસ જવાનો અને વીજતંત્રની છ ટીમોએ સતત 14 કલાક કામગીરી કરીને દબાણો દૂર કર્યા હતા. મોડી રાત સુધી ચાલેલી આ કામગીરી રાત્રે સવા નવ વાગ્યા સુધી ચાલુ રહી હતી.

ડિમોલિશન પૂર્ણ થયા બાદ આજે સવારથી જ કાટમાળ ઉપાડવાની કામગીરી તેજ બનાવાઈ છે. હાલ 16 ડમ્પર અને બે હિટાચી મશીનો દ્વારા કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, લોખંડ અને અન્ય ભંગાર મેળવવા માટે વેપારીઓ પણ સ્થળે એકઠા થયા છે. તંત્રના જણાવ્યા મુજબ, આગામી ચારથી પાંચ દિવસમાં સમગ્ર વિસ્તાર સાફ કરી દેવામાં આવશે. જો કે, દબાણો દૂર થયા બાદ ખુલ્લી થયેલી સરકારી જમીનનું રક્ષણ કરવું તંત્ર માટે મોટો પડકાર છે. જમીન સુરક્ષિત નહીં કરાય તો ભવિષ્યમાં ફરી દબાણો થવાની શક્યતા છે. તેથી જમીનનું યોગ્ય સંરક્ષણ જરૂરી બન્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક