• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

રાજ્યમાં 8.5 લાખથી વધુ બહેનો ‘લખપતિ દીદી’ : મુખ્યમંત્રી

-રાજકોટથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહિલા સશક્તિકરણની વિવિધ પહેલોનો કર્યો પ્રારંભ

-27 જિલ્લાના બસ સ્ટેશનો પર 136 ગ્રામ હાટનું ઈ-લોકાર્પણ, 18 હજાર ગામોમાં મહિલા સંચાલિત અમૂલ પાર્લર શરૂ કરવાની જાહેરાત

રાજકોટ, તા. 10 : ગુજરાતની ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા અને તેમના ઉત્પાદનોને વ્યાપક બજાર પૂરું પાડવાના હેતુથી રાજ્ય સરકારે નવી પહેલો શરૂ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના રેસકોર્સ ખાતેથી રાજ્યના 27 જિલ્લાના બસ સ્ટેશનો પર સખી મંડળો દ્વારા સંચાલિત 136 ગ્રામ હાટનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે ત્રિદિવસીય સરસ મેળાનો પ્રારંભ કરાવી મહિલાલક્ષી યોજનાઓનો શુભારંભ કર્યો હતો. આ કાર્યક્રમને મહિલાઓ માટે નવરાત્રિની ભેટ ગણાવવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ મહિલાઓને વિકાસની યોજનાઓના માત્ર લાભાર્થી નહીં, પરંતુ વિકાસયાત્રાના ભાગીદાર બનાવવાનો ઉદ્દેશ છે. ગ્રામ હાટની વ્યવસ્થાથી સખી મંડળોની બહેનો દ્વારા તૈયાર કરાતી હસ્તકલાની વસ્તુઓ, ગૃહઉદ્યોગની ખાદ્યસામગ્રી અને અન્ય ઉત્પાદનોને વેચાણ માટે વધુ તકો મળશે. તેનાથી ‘વોકલ ફોર લોકલ’ના અભિયાનને પણ વેગ મળશે. મહિલાઓને ડિજીટલ ઉદ્યોગસાહસિક બનાવવા પ્રતિષ્ઠિત સંસ્થાઓના સહયોગથી તાલીમ, માર્ગદર્શન અને મેન્ટરશિપની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ માટે વિવિધ વિભાગો, સંસ્થાઓ અને બેંકો સાથે 13 સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. મહિલાઓની આવક વધારવા માટે અમૂલના સહયોગથી રાજ્યનાં 18 હજાર ગામોમાં મહિલા સંચાલિત મિલ્ક પાર્લર શરૂ કરવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ અંગે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અને અમૂલ વચ્ચે કરાર થયો છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, રાજ્યમાં અઢી લાખ જેટલાં સખી મંડળો સાથે આશરે 30 લાખ ગ્રામીણ મહિલાઓ જોડાયેલી છે. સરકાર દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા ગત વર્ષે રૂ. 800 કરોડની સહાય આપવામાં આવી હતી. આગામી સમયમાં વધુ સહાય આપવા પણ સરકાર તૈયાર છે. વર્ષ 2029 સુધીમાં દેશમાં છ કરોડ મહિલાઓને ‘લખપતિ દીદી’ બનાવવાનો લક્ષ્યાંક છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.5 લાખથી વધુ મહિલાઓ આ સિદ્ધિ મેળવી ચૂકી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક