• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

IPL મિનિ ઓક્શનમાં શાઈ હોપ પર કરોડોનો વરસાદ થવાના એંધાણ

નવી દિલ્હી, તા.10: રાંચી ખાતે રમાયેલી ભારત સામેની બીજી ટી-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝના સુકાની શાઈ હોપે તોફાની બાટિંગનું પ્રદર્શન કરીને આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટ ઇતિહાસના સૌથી મોટા રન-ચેઝ પૈકીના એકને અંજામ આપ્યો હતો. તેણે 102 રનની વિસ્ફોટક સદી ફટકારીને એકલા હાથે મુકાબલો પલટી નાખ્યો હતો. આ ઐતિહાસિક ઇનિંગ બાદ સાથી ખેલાડી રોસ્ટન ચેસે શાઈ હોપની માનસિકતા અને રમત પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી હતી.

ચેસે જણાવ્યું હતું કે ક્રિકેટ પંડિતો હોપની ક્ષમતાને હંમેશાં ઓછી આંકતા આવ્યા છે અને તેની ધીમી રમત તેમજ સ્ટ્રાઈક રેટને લઈને સતત ટીકાઓ કરતા રહ્યા છે, પરંતુ હોપ વાદવિવાદમાં પડવાને બદલે શાંત રહીને મેદાન પર પ્રદર્શનથી બોલવાની કળા જાણે છે. તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની પાવર-હાટિંગ અને રેન્જ-હાટિંગ પર નેટ્સમાં પુષ્કળ પરસેવો પાડ્યો છે, જેનું પ્રત્યક્ષ પરિણામ આજે ભારતની મજબૂત બાલિંગ સામે જોવા મળ્યું છે.

શાઈ હોપની આ યાદગાર સદી માત્ર વેસ્ટ ઈન્ડિઝ માટે જ નહીં, પરંતુ તેના વ્યક્તિગત ફ્રેન્ચાઈઝી કરિયર માટે પણ અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે. હોપે છેલ્લે વર્ષ 2024માં દિલ્હી કેપિટલ્સ વતી આઈપીએલમાં પોતાની ઝલક બતાવી હતી, જોકે ત્યાર બાદ તે આ લીગથી દૂર રહ્યો હતો. આગામી આઈપીએલ મિની-ઓક્શન ડિસેમ્બરમાં થશે. તે પૂર્વે ભારતીય ધરતી પર ભારતના બોલર્સ સામે રમાયેલી આ રેકોર્ડ-બ્રાકિંગ સદીએ તમામ દસ ફ્રેન્ચાઈઝીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે. મિડલ ઓર્ડરમાં સ્થિરતા સાથે ગમે ત્યારે ગિયર બદલી શકતા વિકેટકીપર-બેટર તરીકે હવે શાઈ હોપ પર હરાજીના ટેબલ પર કરોડો રૂપિયાનો વરસાદ થવાની અને ટીમો વચ્ચે જોરદાર ખેંચતાણ સર્જાવાની પૂરી શક્યતાઓ છે.

ઇ-પેપરના નવા શુલ્ક