• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

પાકને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી !

આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ, સત્તા સંતુલન ડગમગી જવાનો ભય

ઇસ્લામાબાદ, તા. 9 : પાકિસ્તાનમાં દેશનો રાજકીય નકશો બદલવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર દેશના 4 મોટા પ્રાંતોને નાના હિસ્સાઓમાં વહેંચીને 12થી 15 નવા પ્રાંત બનાવવાના પક્ષમાં છે.

આ પ્રસ્તાવ અંતર્ગત દેશમાં 160 જેટલા નાના પ્રશાસનિક વિસ્તારો બનાવવાની પણ વાત છે. હાલમાં પાકિસ્તાનમાં પંજાબ, સિંધ, ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન એમ કુલ 4 જ પ્રાંતો છે, જેના વિભાજનથી શાસન વ્યવસ્થામાં મોટો ફેરફાર થઈ શકે છે. પાકિસ્તાનના ચારેય પ્રાંતો વસ્તી અને ક્ષેત્રફળની દૃષ્ટિએ ખૂબ જ અલગ છે. પંજાબ સૌથી વધુ વસ્તી ધરાવતો પ્રાંત છે, જ્યાં લગભગ 12.8 કરોડ લોકો રહે છે, જે દેશની કુલ વસ્તીના અડધાથી વધુ ભાગ છે. બીજી તરફ, બલુચિસ્તાન ક્ષેત્રફળમાં મોટું હોવા છતાં ત્યાં માત્ર 1.5 કરોડ લોકો જ વસે છે.

 આર્થિક સંકટ, મોંઘવારી અને દેવાના બોજ વચ્ચે મોટા પ્રાંતોમાં વહીવટ ચલાવવો મુશ્કેલ બન્યો છે, જે આ પ્રસ્તાવ પાછળનું મોટું મહત્ત્વનું કારણ માનવામાં આવે છે.

પંજાબ પરંપરાગત રીતે પીએમએલ-એન અને સિંધ પીપીપીનો ગઢ ગણાય છે. આ મોટા પ્રાંતોની ચૂંટણી તાકાત કેન્દ્ર સરકાર સામે મજબૂત સ્થિતિ પૂરી પાડે છે. જો તેમને નાના ભાગોમાં વહેંચવામાં આવે, તો તેમની રાજકીય તાકાત ઘટી શકે છે.

આનાથી કેન્દ્ર સરકાર અને સેના માટે પ્રાંતો પર સીધો પ્રભાવ જાળવી રાખવો વધુ સરળ બનશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પ્રસ્તાવની ચર્ચા એવા સમયે ચાલી રહી છે, જ્યારે ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં પહેલાંથી જ ભારે અશાંતિ અને તણાવ પ્રવર્તી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જેલમાં છે અને તેમના સમર્થકો સરકાર સામે સતત વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. બલુચિસ્તાનમાં પણ લાંબા સમયથી અશાંતિ છે. આવી નાજુક સ્થિતિમાં આંતરિક સરહદો અને પ્રાંતીય માળખાંને બદલવું પાકિસ્તાન માટે મોટું જોખમ સાબિત થઈ શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક