માર્ક ચેપમેન અને ઝેક ફોલ્ક્સ ઈજાના કારણે બહાર
નવી દિલ્હી, તા.9ઃ ભારતીય ક્રિકેટ ટીમના આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ પૂર્વે યજમાન કીવી છાવણીને આંચકો લાગ્યો છે. પાંચ મેચોની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી શરૂ થાય તે પહેલાં જ ન્યૂઝીલેન્ડના બે ખેલાડીઓ ઈજાના પગલે સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું છે કે, મિડલ ઓર્ડર બેટ્સમેન માર્ક ચેપમેન અને ઓલરાઉન્ડર ઝેક ફોલ્ક્સ અનફિટ હોવાના કારણે ભારત સામે મેદાનમાં ઉતરી શકશે નહીં.
ન્યૂઝીલેન્ડ પસંદગીકારોએ બંને ખેલાડીઓના વિકલ્પની તાત્કાલિક જાહેરાત કરી દીધી છે. ઈજાગ્રસ્ત જોડીના સ્થાને ઓલરાઉન્ડર જોશ ક્લાર્કસન અને અનુભવી ઝડપી બોલર બ્લેયર ટિકનરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. માર્ક ચેપમેનને યુરોપિયન પ્રીમિયર લીગ દરમિયાન ડાબા પગમાં સ્નાયુ ખેંચાઈ જવાની સમસ્યા થઈ હતી. જોકે, તે વન-ડે શ્રેણી પૂર્વે સંપૂર્ણ ફિટ થઈ જશે તેવી આશા છે. બીજી તરફ, ઝેક ફોલ્ક્સ પોતાની સ્થાનિક ટીમ કેન્ટરબરી સાથે નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે ઈજાગ્રસ્ત થયો હતો, અને તેને મેદાન પર વાપસી કરવામાં હજુ ખાસ્સો સમય લાગી શકે છે.