• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

રશિયા અમેરિકાને ડીઝલ પૂરું પાડશે

યુદ્ધ વચ્ચે ટ્રમ્પની જાહેરાત પર ભડક્યા ઝેલેન્સ્કી

 

વોશિંગ્ટન, તા. 10 : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, ‘રશિયા અમેરિકા અને વૈશ્વિક બજાર (ગ્લોબલ માર્કેટ)ને તાત્કાલિક 3 લાખ મેટ્રિક ટનથી વધુ ડીઝલનો પુરવઠો પૂરો પાડવા માટે સંમત થઈ ગયું છે.’

‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતાં ટ્રમ્પે માહિતી આપી હતી કે મોસ્કો નવેમ્બરમાં વધુ 5 લાખ મેટ્રિક ટન અને ત્યારબાદ 1 મિલિયન મેટ્રિક ટન ડીઝલ આપશે. આગામી 3 નવેમ્બરે યોજાનાર મિડટર્મ ચૂંટણી પહેલાં બળતણ (ફ્યુઅલ)ના વધતા ભાવને કાબૂમાં લેવા માટે ટ્રમ્પ પ્રશાસન આ પ્રયાસ કરી

રહ્યું છે.

રશિયા સાથેના આ ડીઝલ કરારની યુક્રેનના પ્રમુખ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ આલોચના કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ડ’ પર પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું કે, ‘પુતિનને આ પ્રકારની ભેટ આપવાથી દુનિયાને કોઈ શાંતિ કે ફાયદો નહીં થાય.’

ઝેલેન્સ્કીના મતે, પેટ્રોલિયમ પ્રોડક્ટ વેચવાની પરવાનગી આપવાથી રશિયાને યુદ્ધ ચાલુ રાખવા માટે વધારાનું ભંડોળ (ફંડ) અને સંસાધનો મળી રહેશે, જેનાથી યુદ્ધ લાંબું ખેંચાશે.

આ સમજૂતી એવા સમયે જાહેર કરવામાં આવી છે જ્યારે યુક્રેનનું એક પ્રતિનિધિ મંડળ (ડેલિગેશન) રશિયા સાથેના સંઘર્ષને ઉકેલવા માટે અમેરિકાની મુલાકાતે હતું. ઝેલેન્સ્કીએ આ પગલાંને મજબૂત ભાગીદારો દ્વારા લેવાયેલો એક નબળો નિર્ણય ગણાવ્યો છે.

તેમણે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે, ‘મને લાગે છે કે મારી ટીમનો ઉપયોગ માત્ર એક મોહરા તરીકે કરવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી અને ભાગીદારોએ એકબીજા સાથે આવું વર્તન ન કરવું જોઈએ.’

-----------

રશિયાએ યુક્રેન ઉપર છોડયા ખતરનાક ગ્લાઈડ બોમ્બ

જપોરિજિયા વિસ્તારમાં હુમલાથી 15નાં મૃત્યુ

મોસ્કો, તા. 10 : રશિયાએ યુક્રેન ઉપર વધુ એક ભીષણ હુમલો કર્યો છે. આ હુમલામાં 15 લોકોના મૃત્યુ થયા છે. રશિયએ હુમલો યુક્રેનના જપોરિજિયા વિસ્તારમાં કર્યો હતો તેમજ ટ્રમ્પ દ્વારા ડીઝલ સમજૂતીની ઘોષણાના દિવસ બાદ યુક્રેની વિસ્તારને નિશાને લેવામાં આવ્યો છે. અગાઉ યુક્રેને ચેતવણી આપી કે અમેરિકા અને રશિયા વચ્ચે ડીઝલ સમજૂતીના કારણે રશિયાને યુદ્ધ લડવા માટે આર્થિક મદદ મળશે. ક્ષેત્રીય સૈન્ય પ્રશાસના પ્રમુખ મિખાઈલો સેમિકિને કહ્યું હતું કે જેપોરિજિયામાં રહેણાંક વિસ્તારમાં રશિયાના બોમ્બ પડવાથી 11 લોકો માર્યા ગયા હતા. જ્યારે 16ને ઈજા પહોંચી હતી. રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝલેંસ્કીએ કહ્યું હતું કે, રશિયાએ યુક્રેનના જપોરિજિયામાં પાંચ ગ્લાઈડ બોમ્બથી હુમલો કર્યો હતો. આ ઉપરાંત રાત્રે 13 અન્ય વિસ્તારને પણ રશિયાએ નિશાને લીધા હતા. રશિયા દ્વારા કરવામાં આવેલા પ્રહારમાં છેલ્લા ચાર દિવસમાં 60થી વધારે લોકો માર્યા ગયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક