276ના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 45.2 ઓવરમાં 206 રને સમેટાઈ
નવી દિલ્હી, તા. 9ઃ ઓસ્ટ્રેલિયા-એ ટીમે પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. પુડુચેરીના સીચેમ ગ્રાઉન્ડ પર બીજો વન-ડે મુકાબલો રમાયો હતો. કાંગારૂ ટીમે ભારત-એ સામે 69 રને વિજય મેળવ્યો છે. આ જીત સાથે તેમણે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ હાંસલ કરી લીધી છે. મેચમાં કાંગારૂ ટીમ 49.5 ઓવરમાં 275 રન બનાવી ઓલઆઉટ થઈ હતી.
ઓસ્ટ્રેલિયા-એ તરફથી સેમ કોન્સ્ટાસે સૌથી વધુ 67 રન બનાવ્યા હતા. તેણે 88 બોલમાં 7 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. જોશ ફિલિપે પણ ઝડપી 58 રનનું યોગદાન આપ્યું હતું. સુકાની નાથન મેકસ્વીનીએ 39 બોલમાં 32 રન જોડÎા હતા. લાચલાન શોએ 25 રન બનાવ્યા હતા. ઓપાનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 32 રન જોડÎા હતા. ભારતીય બાલિંગમાં અરશદ ખાને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. યશ ઠાકુરને 2 સફળતા મળી હતી.
જીત માટે 276 રનના લક્ષ્યાંક સામે ભારત-એ ટીમની શરૂઆત અત્યંત નબળી રહી હતી. ભારતે માત્ર 59 રનમાં પોતાના ટોચના 4 બેટ્સમેનો ગુમાવી દીધા હતા. ત્યારબાદ રજત પાટીદારે એક છેડો સાચવી રાખ્યો હતો. પાટીદારે નિશાંત સિંધુ સાથે પાંચમી વિકેટ માટે 46 રનની ભાગીદારી કરી હતી. નિશાંત 17 રને આઉટ થતાં ફરી ધબડકો શરૂ થયો હતો. પાટીદાર 67 રન બનાવી આઉટ થયા હતા. તેમની વિકેટ સાથે ભારતની હાર નિશ્ચિત બની ગઈ હતી. અંતે ભારત-એ ટીમ 45.2 ઓવરમાં 206 રને સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્પેન્સર જોહ્ન્સને 3 વિકેટ મેળવી હતી. રિલે મેરેડિથ અને તનવીર સંઘાએ 2-2 વિકેટ લીધી હતી.