• સોમવાર, 13 જુલાઈ, 2026

ફરજિયાત ટેટના વિરોધમાં રાજકોટ સહિત રાજ્યભરમાંથી શિક્ષકોની ગાંધીનગર કૂચ

માગણી ન સંતોષાય તો દિલ્હી સુધી આંદોલન કરાશે

 (અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 11:  શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ પાસ કરવી ફરજિયાત રહેશે તેવા સુપ્રીમ કોર્ટના નિર્દેશ સામે રાજ્યભરના શિક્ષકોએ 2010 પહેલાના શિક્ષકોને આ પરીક્ષામાંથી મુક્તિ આપવાની માગ કરતા આજે ગાંધીનગર ખાતે કૂચ કરી હતી. એટલું જ નહીં જો માગ સંતોષવામાં ન આવે તો દિલ્હી સુધી જવાની પણ શિક્ષકોએ ચેતવણી ઉચ્ચારી છે.

મળતી માહિતી અનુસાર આજે ગાંધીનગર અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર વગેરે સ્થળોએ મોટી સંખ્યામાં શિક્ષકો વિરોધમાં ઉમટયા હતા. તેણે આ દરમિયાન સૂત્રોચ્ચાર કરીને પોતાની વિવિધ માગણીઓ સંતોષાય તેવી પણ માંગ કરી હતી. તેમની મુખ્ય માગણીઓમાં જોઇએ તો વર્ષ 2010 પહેલા નિયુક્ત થયેલા તમામ અનુભવી શિક્ષકોને ફરજિયાત ઝઊઝ પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવામાં આવે, 1 એપ્રિલ 2005 બાદ ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે, તેમજ ધોરણ 6થી 8ના શિક્ષકોને તેમની કામગીરી અને જવાબદારીને અનુરૂપ અલગ તથા વધુ ગ્રેડ પે આપવામાં આવે અને એચટીએટી આચાર્યોને સોંપવામાં આવેલા વધારાના શાળાના ચાર્જનો નિર્ણય પરત ખેંચવામાં આવે તેનો સમાવેશ થાય છે.

શિક્ષકોએ ચેતવણી ઉચ્ચારી હતી કે જો અમારી માગ સંતોષવામાં નહી આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનવવામાં આવશે અને આ લડતને દિલ્હી સુધી પણ લઇ જવામાં આવશે. આંદોલનને પગલે પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 

 આ આંદોલનમાં અમરેલી જિલ્લામાંથી પણ શિક્ષકોએ ખૂબ જ મોટી સંખ્યામાં સહભાગી થઈને એકતાનું પ્રદર્શન કર્યું હતું. અમરેલી જિલ્લાના દરેક તાલુકામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા હતા અને પ્રવર્તમાન નિયમો સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક