• સોમવાર, 13 જુલાઈ, 2026

ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખોટા બ્લડ ગ્રુપનું લોહી ચડાવાતાં પ્રસૂતાનું મૃત્યુ થયું

પોલીસનો સમરી રિપોર્ટ ફગાવી જવાબદાર તબીબો અને સ્ટાફ સામે ગુનો નોંધવા તથા ચાર્જશીટ દાખલ કરવા કોર્ટનો આદેશ

ભાવનગર, તા.11 : ભાવનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ બેદરકારીના ગંભીર કેસમાં અદાલતે કડક વલણ અપનાવ્યું છે. ખોટા બ્લડ ગ્રુપનું લોહી ચડાવવાના કારણે પ્રસૂતાના મૃત્યુ મામલે કોર્ટે પોલીસનો ‘ગુનો બનતો નથી’ એવો સમરી રિપોર્ટ ફગાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે.

ગારિયાધારના નાની વાવડી ગામની ગીતાબહેન સોલંકીને પ્રસૂતિ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સરકારી મમતા કાર્ડમાં તેમનું બ્લડ ગ્રુપ ‘એ નેગેટિવ’ નોંધાયેલું હતું. જોકે, પ્રસૂતિ બાદ કેસ પેપર્સમાં બેદરકારીપૂર્વક ફેરફાર કરી ‘બી નેગેટિવ’ બ્લડ મંગાવવામાં આવ્યું હતું. બ્લડ બેંક દ્વારા જરૂરી ચકાસણી કર્યા વિના બી નેગેટિવ લોહી આપવામાં આવ્યું અને ગીતાબહેનને ચડાવવામાં આવતા શરીરમાં ગંભીર રિએક્શન થયું હતું. એક સપ્તાહ સુધી પીડા સહન કર્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું. નીલમબાગ પોલીસે શરૂઆતમાં યોગ્ય તપાસ કર્યા વગર સમરી રિપોર્ટ રજૂ કર્યો હતો. મૃતકના ભાઈ મુકેશભાઈ મિયાત્રાએ એડવોકેટ મારફત અદાલતમાં ફરિયાદ કરી હતી. સ્પેશિયલ (એટ્રોસિટી) જજ જે.જી. દામોદ્રાએ કેસની ગંભીરતા ધ્યાનમાં લઈ પોલીસનો રિપોર્ટ નામંજૂર કર્યો હતો અને એસ.સી./એસ.ટી. સેલને ગુનો નોંધવા તથા જવાબદારો સામે ચાર્જશીટ દાખલ કરવા આદેશ કર્યો છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક